આજકાલ સોશ્યલ મીડિયામા લખવાની, વિચારો વ્યક્ત કરવાની, બીજાના વિચારો સાથે સહમત કે અસહમત થવાની પ્રથા ચેપી રોગની જેમ ફેલાતી જાય છે. બંધારણે આપેલ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ લોકો લખે છે, અભિવ્યક્તિ કરે છે, પ્રતિભાવ આપે છે, શેર કરે છે. પ્રતિભાવ આપવાનું, વિચાર વ્યક્ત કરવાનું, વિરોધ કરવાનું, અફવા ફેલાવવાનું, પોતાની માનસિક બીમારી જાહેર કરવાનું એક ખૂબ મોટું ફલક સાઈઠ રૂપિયા ભરવાથી એક મહિનો સુધી મળી રહેવા માંડ્‌યું છે. સો રૂપિયા ભરો એટલે બીજાને ૧ જી.બી. જેટલી ગાળો દેવાની સ્વતંત્રતા મળે છે. અને અમર્યાદિત ગાળો દેવાનો ભાવ કદાચ અઢીસો કે ત્રણસો રૂપિયા પ્રતિમાહ ચાલી રહ્યો છે. અપ્રત્યક્ષ રીતે તમે આખી દુનિયાને ભાંડી શકો છો. જેની પાસે દ્ભમ્ માં પોતાના વિચારો નથી એની પાસે ય્મ્ માં વિચારો વ્યક્ત કરવાની, શાપ આપવાની, ઉછીના સુવિચારો સવારમાં બીજાના લમણે મારવાની જગ્યા ઉપલબ્ધ છે. ગુજરાતીમાં તકરારને જીભાજોડી જેવા શબ્દથી નવાજવામાં આવ્યો છે. આજે જીભાજોડીની જગ્યાએ ફોનાજોડી જેવો શબ્દ વાપરી શકાય એમ છે. સારી બાબતને ફેલાતા વાર લાગે છે પણ ખરાબ અને ખોટી વાત જંગલની આગની જેમ ફેલાય જાય છે એ લાઈન પર અફવાઓ ફેલાવવામાં આ મધ્યમની ઝડપ ભયંકર છે. ખોટો અને ખરાબ વિચાર કે વાત એક દિવસમાં તો આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ શકે છે. પછી જે તે સંદર્ભિત જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ચૂંટણી ટાણે, તહેવારો કે સભા સરઘસોના સમયે બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે નેટ પણ બંધ કરવું પડે છે કારણકે એક ચોક્કસ વર્ગ આવા સમયે પોતાની ગટર છાપ માનસિકતા લઈને સોશ્યલ મીડિયા પર ઉતરી પડે છે અને ગટરમાંથી મ્હોં કાઢીને છીંકતું અને આળોટતું ભૂંડ જેમ સડક અને આજુબાજુનું વાતાવરણ ખરાબ કરે એમ સારા વાતાવરણને કલુષિત કરી મુકે છે. જ્ઞાતી, જાતિ, સમાજ, વર્ગ વચ્ચે સહઅસ્તિત્વનો નકાર સમાજને સુક્ષ્મ વિભાજન તરફ દોરી જાય છે. અને આ બાબતના છાસવારે અનુભવ હવે આમ નાગરિકને થવા લાગ્યા છે. વારેવારે મહાનુભાવોને મૃત ઘોષિત કરીને બીજા દિવસે જીવતા કરવાની એક કુત્સિત માનસિકતા ગેંગરીનની જેમ વકરતી જાય છે. આંકડાઓમાં છેડછાડ કરીને, ફોટાઓ મોર્ફ કરીને ગમે એની પાઘડી ઉછાળવામાં આવે છે. સામાન્ય રીતે કુતરો કૂતરાની ભાષા, કાગડો કાગડાની અને ઝરખ ઝરખની ભાષા સમજે છે, પણ અહી કુતરો, કાગડો અને ઝરખ પોતાની ભાષા હાથી, સિંહ, ઘોડો અને મોર પણ સમજી જાય એવી જબરદસ્તી સેવે છે. આ બધી બાબતો કરતી વખતે ઘણી વખત વિવેક્ચૂક થાય છે. ફોરવર્ડ કરેલા ફોટાઓ અને આંકડાઓની ભરમાર ચાલી છે. આ બધાનું કારણ એ છે કે અત્યંત ઝડપે વિકસી ગયેલી આ શાનદાર સુવિધા એક જહાજના કાગડાની માનસિકતા ધરાવતા વર્ગના હાથમાં પણ જઈ પડી છે કે જેને ઉડીને દુર તો જવું છે પણ બેસવા માટે બીજી ડાળ કે આધાર નથી.
ભાષા શીખવાના બે માધ્યમ છે, આંખ અને કાન, દ્રષ્ટિ અને શ્રવણ. સોશ્યલ મીડિયા બંનેનું એક સાંયોજ્ય છે, ત્યાં સાંભળીને જોઇને શીખી શકાય છે, અને શબ્દોનું આયુષ્ય માનવજાત કરતા ઘણું લાંબુ હોવાનો ઈતિહાસ છે. તમે જે લખો છો વ્યક્ત કરો છો, બોલો છો એ તમારા કરતા વધારે જીવે છે. સારા શબ્દો સારું જીવે છે, નઠારા જીવે છે પણ નરકની કક્ષાએ જીવે છે. બધું નઠારું છે એમ કહેવાનો સહેજ પણ ઈરાદો નથી. સારાપણાની ભરમાર પડી છે. જો સારું શીખવું હોય તો ઉત્તમ જ્ઞાનની દુનિયાનો દરવાજો પણ ખુલ્લો જ છે. માત્ર એક શબ્દ સર્ચ એન્જીનમા તરતો મુકો તો લાખોની સંખ્યામાં અનુસંધાનો પ્રાપ્ત થાય છે. એમાં ખાંખાખોળા કરીને લખો કરોડો રૂપિયાનું ઉપાર્જન કરી શકાય છે એના ઘણા ઉદાહરણો મોજુદ છે અને નવાનવા આવતા રહે છે. સવાલ એ છે કે તમે કઈ બાજુની બારી ખોલો છો, ગટર બાજુની કે ઝરણા બાજુની. માનસરોવરના હંસની જેમ દૂધ પી અને પાણીને તારવી જવાની હંસવૃતિ જેની પાસે હશે એ આ માહિતીના યુગનો સફળ માણસ થઇ શકશે. જેણે પોતાની વિવેકબુધ્ધિને કામે લગાડીને ગંધ અને સુગંધનો તાત્વિક ભેદ પારખી લીધો છે એને પેલું ભજનોમાં કહ્યું એમ તંબુરાનો તાર મળી ગયો છે.
અમર બની ગયેલા શબ્દો, વિચારો, અભિવ્યક્તિ શું હતા ? એ લેખક, વિચારક કે દાર્શનિકની આંગળીઓ અને અંગુઠો, ફેફસા અને શ્વાસનળી તોડીને ટપકેલ વેદના, વિચાર, ઉપદેશ કે જ્ઞાન છે, મહાનુભાવોએ મોઢેથી કહેલ શબ્દો એની જિંદગીના અનુભવોના નીચોડરૂપે કહેલ અર્ક છે. ટાગોરે તાજમહેલ જોઇને પ્રતિભાવ આપ્યો, “શાહજહાં ના આંસુ સંગેમરમર બનીને થીજી ગયા છે..” આવી ભાવાંજલિ તાજને આજદિન પર્યંત નથી મળી. મેઘાણીએ ” કોઈનો લાડકવાયો….” લખ્યું, ” રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે…” લખ્યું, “કસુંબીનો રંગ લખ્યું…” શબ્દોની સાથે મેઘાણી અમર બની ગયા. લિંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા, બર્નાર્ડ
આભાર – નિહારીકા રવિયા શોના વીલના શબ્દો “બેટર સુનર ફરગોટન”, દગો ખાધા બાદના જુલિયસ સીઝરના શબ્દો ” યુ ટુ બ્રુટસ ?”, માર્ટીન લ્યુથર કિંગના એ ઐતિહાસિક સંબોધનના શબ્દો, પંડિત નહેરુએ ઓલ ઇન્ડિયા રેડિયો પર બાપુને આપેલ શબ્દાંજલિના શબ્દો ” આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે….”, આવા તો અનેકો ઉદાહરણો આપી શકાય એવા શબ્દો આજે પણ અમર છે અને રહેવાના. કારણ કે આ શબ્દોને અમરત્વ બક્ષે એવું શબ્દ મહીં જ પડ્‌યું છે.
ક્વિક નોટ = ગાંધીજી ને ગોળી વાગી અને બાપુના છેલ્લા શબ્દો હતા ” હે રામ “, બાપુ જેવું જીવ્યા હતા એવા અંતિમ ઉદગાર એમની જીભે આવી ગયા. પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલીખાનને ગોળી વાગી અને લિયાકત અલીખાનના છેલ્લા શબ્દો હતા ” ગોલી લગ ગઈ…”. હિન્દુસ્તાન આજે “હે રામ” અને “ગોલી લગ ગઈ” વચ્ચે અસમંજસમાં છે.