ગુજરાતમાં હવે વાઇબ્રન્ટ ગુજરાત ઉપરાંત ઝોનવાઇઝ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઇબ્રન્ટ સમિટનું ૮ અને ૯મી જાન્યુઆરી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ સમિટનું મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાં આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. બે દિવસની આ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ૨૧ સેક્ટરમાં કુલ ૧,૨૧૨ સમજૂતીપત્રો પર સહીસિક્કા થયા હતા. તેના દ્વારા રાજ્યમાં કુલ રૂ. ૩.૨૪ લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં આવશે.સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઇબ્રન્ટ સમિટ ૮ અને ૯ જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમિટ માટેનું સ્થળ હાલમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી કોઈપણ સ્થળ પસંદ કરી શકાય છે.મારવાડી યુનિવર્સિટીમાં ઉત્તમ માળખાગત સુવિધાઓ અને અન્ય સુવિધાઓ હોવાથી, ત્યાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર ઝોન વાઇબ્રન્ટ સમિટનો લાભ ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિક નેતાઓને મળશે. આમ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ વેગ પકડશે તેમ માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છને દરિયાકિનારાના કેન્દ્રો તરીકે નિકાસ આધારિત ઉદ્યોગ તરીકે વિકસાવવાની પ્રબળ સંભાવના રહી છે. ગુજરાતમાં વિવિધ બંદરોએ પણ નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. તેના કારણે ગુજરાતમાં પોર્ટ આધારિત અને નિકાસલક્ષી ઉદ્યોગોનું અદકેરું સ્થાન છે. તેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છને નિકાસલક્ષી ઝોન તરીકે વિકસાવવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય.