સાયબર ગઠિયાઓએ હવે ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોય તેમ વડિયા તાલુકાના દેવળકી ગામે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અજાણ્યા સાયબર ઠગે વોટ્‌સએપ પર APK ફાઈલ મોકલીને એક વ્યક્તિના બેંક ખાતામાંથી રૂ. ૯૬,૦૦૦ બારોબાર ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે નિલેશભાઇ પરશોત્તભાઇ રોકડ (ઉ.વ. ૪૨)એ, ઉત્તર પ્રદેશના કાનપુરના મહોમદ સમીર લીયાકતઅલી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના વોટ્‌સએપ નંબર પર આરોપીએ એક APK ફાઈલ મોકલી હતી. તેમણે આ ફાઈલ ડાઉનલોડ કરીને ઓપન કરી કે તરત જ તેમની મંજૂરી વગર આરોપીએ તેમના આખા મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું હતું. મોબાઈલ હેક કર્યા બાદ આરોપીએ તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૯૬,૦૦૦ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. વડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.ડી. ગોહિલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.