તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ગુજરાતીઓને ‘અભણ’ અને ‘મૂર્ખ’ ગણાવતા નિવેદન સામે ભારે અસંતોષ વ્યક્ત કરવા માટે રાજુલા શહેરમાં ભાજપ દ્વારા એક મૌન વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેર ભાજપ અને યુવા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ ખાતે એકત્રિત થયા હતા. કાર્યકરોએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધી, મૌન ધારણ કરી શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી.
ભાજપ અગ્રણી રઘુભાઈ ખુમાણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા સંસ્કારી છે અને દેશના વિકાસમાં ગુજરાતીઓનું મોટું યોગદાન છે. વડાપ્રધાન પણ ગુજરાતી હોવાનું ગૌરવ છે, ત્યારે આવા અપમાનજનક શબ્દો સહન કરવામાં આવશે નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આ આંદોલને રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે અને ભાજપે માંગ કરી છે કે આ પ્રકારના નિવેદનો બદલ કોંગ્રેસ નેતૃત્વ જાહેરમાં માફી માંગે.







































