સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામની વર્ષો જૂની હાલાકીનો હવે અંત આવશે. ભારે ચોમાસામાં ટાપુ બની જતા આ ગામને સંપર્ક વિહોણું થતું અટકાવવા માટે રાજ્ય સરકારે રૂ.૮.૫૦ કરોડના ખર્ચે પીપરડી-મોટા ભમોદ્રા વચ્ચે નવા માર્ગના નિર્માણને મંજૂરી આપી છે. અત્યાર સુધી અતિવૃષ્ટિ દરમિયાન ગામનો સંપર્ક તૂટી જવાથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં અને ઇમરજન્સી સેવાઓમાં ભારે અવરોધ આવતો હતો. અનેકવાર લોકોએ જીવ બચાવવા ઘરના છાપરાનો આશરો લેવો પડતો હતો. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની રજૂઆત અને પ્રયાસોને સફળતા મળતા હવે આ કાયમી ઉકેલ આવશે. આ નવા માર્ગથી ચોમાસામાં પણ વાહનવ્યવહાર ચાલુ રહેશે અને ગ્રામજનોને પૂરના જોખમથી મુક્તિ મળશે.ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના પ્રયત્નોથી નવો માર્ગ બનતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ગ્રામજનોએ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનો આભાર માન્યો હતો.










































