લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે રામાણી પરિવારની વાડી ખાતે લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. સાળુંકેના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. વાય.એમ. જાડેજા, ગામના સરપંચ, ઉદ્યોગપતિ વિનુભાઈ રામાણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારમાં ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ જુગાર, દારૂના ગેરકાયદેસર ધંધા, વ્યાજખોરી અને સાયબર ગુનાઓથી બચવા અંગે ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કટોકટીના સમયે પોલીસ સહાય માટે ૧૧૨ અને મહિલાઓની સુરક્ષા તથા મદદ માટે ૧૮૧ હેલ્પલાઇન અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. ગામમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે અથવા અન્ય કોઈ સમસ્યા જણાય તો પોલીસને ખાનગી રીતે કે ફોન દ્વારા જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ, સંકલન અને સહકાર વધારવાના હેતુથી યોજાયેલા આ લોક દરબારમાં ગ્રામજનોને પોલીસને સહયોગ આપવા અનુરોધ કરાયો હતો.







































