સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં જળસંરક્ષણ અને ખેતીના વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા અને ઘાંડલા ગામે ત્રણ ચેકડેમના બાંધકામ માટે રૂ. ૧.૮૭ કરોડથી વધુની મંજૂરી આપવામાં આવી છે.વંડા ગામે ઉતાવળી નદી ઉપર ચેકડેમ નં. ૧ માટે રૂ. ૩૩.૦૧ લાખ અને ચેકડેમ નં. ૨ માટે રૂ. ૫૮.૨૦ લાખ, એમ કુલ રૂ. ૯૧.૨૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ઘાંડલા ગામે જામવાળી નદી ઉપર ચેકડેમના બાંધકામ માટે રૂ. ૯૬.૨૪ લાખની મંજૂરી અપાઈ છે. આ ત્રણેય ચેકડેમના નિર્માણથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે તેમજ વંડા, ફાચરીયા અને ઘાંડલા ગામના ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતામાં લાભ થવાની આશા છે.સાથે જ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થવાની સંભાવના છે. આ વિકાસકાર્યની મંજૂરી બદલ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.