ધારીના ખીસરી ગામે જાનૈયા અને માંડવીયા વચ્ચે ધીંગાણું ખેલાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાન બાદ કોઈ કારણોસર બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. જેમાં જાનૈયા અને માંડવીયા બંને પક્ષે લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. ઉગ્ર બનેલા ટોળાએ આખું ગામ જાણે માથે લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.હુમલાની ઘટનાને પગલે ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ બોલેરો ગાડી ચાલુ કરી ફુલ સ્પીડમાં ફાસ ચલાવી સાહેદ પ્રકાશભાઈની માથે ચડાવી દીધી હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ દેવળીયા ગામના વિનુભાઇ ભગવાનભાઇ વાઘેલા (ઉ.વ.૬૦) એ વિપુલભાઇ દામાભાઇ ચારોલીયા, હસમુખભાઇ દામાભાઇ ચારોલીયા, બાબુભાઇ દામાભાઇ ચારોલીયા, ભાવેશભાઇ જેહાભાઇ ચારોલીયા તથા જેહાભાઇ વાલાભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેના ભાઈના દીકરાના દીકરા મંગળુભાઈ મનીષભાઈ વાઘેલાની જાન ખીસરી ગામે આવી હતી. જમણવાર ચાલુ હતો ત્યારે તેઓ અને તેમનો પુત્ર દિનેશ (ઉર્ફે અંકિત) જમવામાં વધુ રોટલી લેવા માટે ગયા હતા. આ સમયે આરોપીએ રોટલી આપવાની ના પાડી ગાળાગાળી શરૂ કરી હતી. મામલો બિચકતા આરોપીએ દિનેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં ફરિયાદીએ વચ્ચે પડીને બચાવ કર્યો હતો. પ્રાથમિક ઝઘડા બાદ જ્યારે ફરિયાદી અને સાહેદો ગામના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાંચેય આરોપીઓએ એકસંપ થઈ લાકડીઓ અને ધોકા સાથે ત્યાં ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે બચાવવા પડેલા દિનેશભાઈ અને ભરતભાઈને પણ મૂઢ માર વાગ્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.