ભાવનગર નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો હતો. ગત ૨૫ જાન્યુઆરીના રોજ કડિયાળી ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ અંગે હિંડોરણા ગામે રહેતા ધીરૂભાઇ ભોળાભાઇ મકવાણા (ઉ.વ.૩૩) એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીનો ભાઈ પોતાનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ (નંબરઃ જી.જે.૧૪ બી.ઇ ૩૮૨૨) લઈને ઘરેથી મહુવા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ભાવનગર નેશનલ હાઇવે પર કડિયાળી ગામના પાટિયા પાસે પહોંચતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધું હતું.અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી એસ આઈ વી વી ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.