ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ પોતાના જ પક્ષની સરકાર સામે બળવાખોર સૂર અપનાવ્યો છે. ઈડરથી ચૂંટાયેલા વોરાએ જાદર તાલુકાની રચના ન થવાના મુદ્દે પક્ષના જ એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉશ્કેરણીજનક મેસેજ કરીને ચકચાર જગાવી છે. તેમણે કાર્યકરોને ‘વિસાવદરવાળી’ કરવાની તૈયારી કરવા જણાવી દીધું છે, જે પક્ષ વિરોધી પ્રવૃત્તિનો સ્પષ્ટ સંકેત આપે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજમાં રમણલાલ વોરા સ્પષ્ટપણે કહે છે કે, “તમે તૈયારી શરૂ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઈડરમાં વિસાવદરવાળી કરવી પડશે.” આ સાથે તેમણે કાર્યકરોને જાદર તાલુકાની રચનાનો મુદ્દો ગાંધીનગર સુધી ગુંજવવા પણ આદેશ આપ્યો છે. વોરાએ પક્ષના સ્થાનિક સંગઠન પર પણ નિશાન સાધતા કહ્યું છે કે, “ભાજપનું સ્થાનિક સંગઠન પણ આ મુદ્દે કાંઈ કરતું નથી કારણ કે તેમનું પક્ષમાં કાંઇ ઉપજતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે ઈડરના લોકો જ જાદર તાલુકાની રચના થવા દેતા નથી.
રમણલાલ વોરાએ કાર્યકરોને સ્પષ્ટ સૂચના આપી છે કે, “હાલ આપણી પ્રાથમિકતા જાદર તાલુકાની રચના છે. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસ કે આપની વાત ન કરશો. જા તાલુકાની રચના ન થાય તો પછી પક્ષની વાત કરશો.” આ નિવેદન પક્ષ કરતાં સ્થાનિક મુદ્દાને વધુ મહત્વ આપવાનો અને તેની સિદ્ધિ ન થાય તો પક્ષથી વિમુખ થવાનો સંકેત આપે છે.
સરકારે ૨૪ સપ્ટેમ્બરે નવા ૧૭ તાલુકાની રચના કરી હતી, પરંતુ જાદર તાલુકાની માગ હોવા છતાં તેની રચના ન થતાં ઈડરમાં લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. આ ઘટના બાદ રમણલાલ વોરાને ત્યાં જઈને ભાજપના ૧૦૦થી વધુ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું. સરકારે બુધવારે નવા તાલુકાની સંરચનામાં ફેરબદલ કરી હોવા છતાં જાદર તાલુકાની રચના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ દરમિયાન, બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ કરેલી તાલુકાની રચનામાં ફેરફાર કર્યા હતા. અગાઉ ફાગવેલ તાલુકાના વડુમથક તરીકે કાપડીવાવ (ચીખલોડ) જાહેર કરાયું હતું. અહીંના સ્થાનિકોએ ચીખલોડને બદલે ફાગવેલને જ તાલુકા મથક બનાવવા વિરોધ કરતા, સરકારે ફેરફાર કરીને હવે તાલુકા મથક ફાગવેલ જ રહેશે. સુરત જિલ્લાના ૮ ગામોને નવા બનેલા અરેઠ તાલુકામાં સમાવાયા હતા, તેને બદલે હવે તે માંડવી તાલુકામાં લેવાયા છે. જાકે, આ ફેરબદલો વચ્ચે પણ રમણલાલ વોરાની મુખ્ય માગણી જાદર તાલુકાની રચના અદ્ધરતાલ રહી છે, જેને કારણે તેમનો અને કાર્યકરોનો રોષ વધુ વકર્યો છે.









































