જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રમેશભાઇ રાયજાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી, ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા એસપી, ડીવાયએસપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર આ હત્યા લૂંટના ઇરાદે થઈ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘરમાં કોઈ વસ્તુ ગુમ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક સુનીતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે આ મકાનમાં રહેતા હતા. બનાવ સમયે સુનીતાબેન ઘરમાં સાવ એકલા હતા. તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા, જ્યારે પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધૂ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં વૃદ્ધાને એકલા જોઈને અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પરિવારજનોએ સાંજના સમયે સુનીતાબેનને વારંવાર ફોન કરતા હતા. પરંતુ સામેથી કોઈ જવાબ ન મળતા તેઓ ચિંતામાં મુકાયા હતા. આથી પરિવારે પાડોશીઓને તપાસ કરવા જણાવ્યું અને જ્યારે પાડોશીઓ ઘરે પહોંચ્યા ત્યારે સુનીતાબેન લોહીલુહાણ હાલતમાં મળી આવતા સ્તબ્ધ થઈ ગયા હતા.
આમ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સ્થાનિક વિસ્તારના સીસીટીવી તેમજ ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને મૃતકના પુત્રની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.









































