જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામની સીમમાં મજૂરીના રૂપિયાની લેતી-દેતી મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અલ્પેશભાઈ લાખાભાઈ કોટડીયા (ઉ.વ.૨૫)એ કનુભાઈ દિલુભાઈ વરૂ, દાદભાઈ દિલુભાઈ વરૂ, યુવરાજભાઈ જોરૂભાઈ વરૂ તથા મહેશભાઈ ચાપભાઈ વરૂ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તા. ૧૪/૦૬/૨૦૨૬ના રોજ સાંજે વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઉભેલા આરોપી કનુભાઈ વરુ પાસે પોતાની મજૂરીના બાકી નીકળતા રૂ.૧,૦૦૦ માંગ્યા હતા. કનુભાઈએ પૈસા આપવાની ના પાડી ગાળો ભાંડી હતી. આ બાબતે બોલાચાલી વધતાં કનુભાઈ અને દાદભાઈ વરુએ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. વિવાદ વધતાં દાદભાઈ વરુએ બાજુમાંથી ઘણ લાવી ફરિયાદીના માથામાં ફટકારી દીધો હતો, જેથી તેમને ગંભીર મૂઢ ઈજા થઈ હતી. તમામ આરોપીઓએ તેમને અને તેમના ભાઈને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ કનુભાઈ દિલુભાઈ વરૂ (ઉ.વ.૩૦)એ અલ્પેશભાઈ લાખાભાઈ કોટડીયા તથા મુકેશભાઈ લાખાભાઈ કોટડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મીઠાપુર સીમમાં સોલાર કંપનીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આરોપી અલ્પેશ લાખાભાઈ કોટડીયાએ તેમની પાસે મજૂરીના રૂપિયા માંગ્યા હતા. તેમણે તમામ રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહેતાં અલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ભાઈ મુકેશને ફોન કરીને બોલાવી લીધો હતો. આરોપી મુકેશ હાથમાં કુહાડી લઈને આવ્યો હતો અને ફરિયાદીના માથા પર કુહાડીનો ઘા કરવા ગયો હતો. તેમણે બચાવમાં હાથ આડો રાખતાં જમણા હાથના પંજા પર ઈજા થઈ હતી અને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ દરમિયાન આરોપી અલ્પેશભાઈએ ફરિયાદીને જમણા હાથના કાંડા પર બચકું ભરી લીધું હતું. આસપાસના લોકોએ વચ્ચે પડીને ફરિયાદીને બચાવ્યો હતો. જતી વખતે આરોપીઓએ ‘હવે બીજી વાર જીવતો નહીં રાખીએ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.







































