ખાંભા તાલુકાના ભૂંડણી ગામે બે નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહીડા પરિવારના બે સગા ભાઈઓ રુદ્ર નાજાભાઈ મહીડા જેની ઉંમર ૧૦ વર્ષ હતી અને પાર્થ નાજાભાઈ મહીડા જેની ઉંમર ૮ વર્ષ હતી તેઓ ગામની નજીક વહેતી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. સ્નાન કરતી વખતે અચાનક પાણી ઊંડું હોવાને કારણે અથવા પ્રવાહને લીધે બંને બાળકો ડૂબવા લાગ્યા હતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા ભારે નાસભાગ મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને બંને બાળકોને બેભાન અવસ્થામાં સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોની તપાસ કરી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.