શહેરમાં જાહેર પરિવહનને વધુ સુરક્ષિત અને મુસાફરો માટે અનુકૂળ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બસોના ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ, બસ સ્ટેન્ડ પર બસ ન રોકવી, મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવી અને બેદરકારીથી બસ ચલાવવાના કેસ સામે આવતા કુલ ૧૩ બસ ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એએમટીએસ અને બીઆરટીએસ તંત્રના અધિકારીઓએ શહેરના વિવિધ રૂટ પર દોડતી બસોનું અચાનક નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કેટલાક ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોવાનું, નિર્ધારિત બસ સ્ટેન્ડ પર બસ ન રોકતા હોવાનું અને મુસાફરો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું.કેટલાક કિસ્સાઓમાં બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાવાની ફરિયાદો પણ નોંધાઈ હતી.
ચેકિંગ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા એએમટીએસના ૧૦ અને બીઆરટીએસના ૩ ડ્રાઇવરોને તાત્કાલિક ફરજમુક્ત કરવામાં આવ્યા છે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને જાહેર પરિવહનની ગુણવત્તા જાળવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા અનુસાર, શહેરના નાગરિકોને સલામત, સમયસર અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવા મળે તે માટે ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત છે. કોઈપણ પ્રકારની બેદરકારી અથવા મુસાફરો સાથે અયોગ્ય વર્તન સહન કરવામાં આવશે નહીં.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એએમટીએસ અને બીઆરટીએસ બસ ડ્રાઇવરોની બેદરકારીને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. તાજેતરમાં એક બસ ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો ઝડપાયો હતો. આ ઉપરાંત પણ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવાના અનેક બનાવો સામે આવ્યા છે. જેના પગલે તંત્ર હવે વધુ કડક દેખરેખ અને નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યું છે.








































