અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એર ટ્રાફિક કંટ્રોલની સમયસૂચકતાના કારણે એક બહુ મોટી વિમાન દુર્ઘટના થતાં-થતાં અટકી ગઈ છે. એરપોર્ટના રન-વે નજીક એર ઇન્ડિયા અને ઈન્ડીઇગોના બે પેસેન્જર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. જાકે, બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવતા સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે ઘટી જ્યારે બંને વિમાનો રન-વે તરફ આગળ વધી રહ્યા હતા. ટેક્સીવે પર ગતિશીલ એર ઇન્ડિયા અને ઈન્ડીગોના વિમાનો એકબીજાની બિલકુલ નજીક આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે અંદાજે માત્ર ૨૦૦ મીટરનું જ અંતર બાકી રહ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓની નજર પડતાં જ તેમણે તાત્કાલિક બંને પાયલોટોને એલર્ટ કર્યા હતા અને વિમાનોને ત્યાં જ રોકી દેવાની સૂચના આપી હતી.એટીસીની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.
પ્રાથમિક તપાસ અને એરલાઇન્સના નિવેદન અનુસાર, આ ગંભીર ભૂલ એર ઇન્ડિયાના વિમાન દ્વારા થઈ હતી. એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ટેક્સીંગ (રન-વે પર વિમાનની મુવમેન્ટ) દરમિયાન પાયલોટે ભૂલથી ખોટી દિશામાં વળાંક લઈ લીધો હતો, જેના કારણે વિમાન ઈન્ડીગોના વિમાન સામે આવી પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈ જાનહાનિ કે પ્લેનને કોઈ આર્થિક નુકસાન થયું નથી. વિમાનોને સમયસર રોકી લેવાતા મોટી આફત ટળી છે.
એરપોર્ટ પર બનેલી આ ગંભીર ઘટનાને નાગરિક ઉડ્ડયન વિભાગે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આટલી મોટી ચૂક કેવી રીતે થઈ અને પાયલોટે સિગ્નલ સમજવામાં ક્યા ભૂલ કરી, તે દિશામાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.ડીજીસીએ દ્વારા પણ આ મામલે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવી શકે છે જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ખામીઓ ફરી ન સર્જાય.







































