લીલીયા તાલુકાના વાઘણીયા ગામે બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે યોજાયેલી પર્યાવરણીય અસર મૂલ્યાંકન અંગેની લોકસુનાવણી ભારે વિવાદમાં સપડાઈ હતી. ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને હોબાળાને કારણે સુનાવણી દરમિયાન તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. અનેક ગ્રામજનોએ સુનાવણીનો બહિષ્કાર કરી સભા છોડી દેતાં સમગ્ર પ્રક્રિયા વિવાદાસ્પદ બની હતી.વાઘણીયા ઉપરાંત નાના લીલીયા, ટીંબડી અને પીપળવા સહિતનાં આસપાસનાં ગામોના ગ્રામજનો, સામાજિક આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રસ્તાવિત પ્લાન્ટ સામે વિરોધ નોંધાવી તંત્ર સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી. વિરોધ કરી રહેલા ગ્રામજનો અને આગેવાનોએ જણાવ્યું હતું કે વાઘણીયા વિસ્તાર બૃહદ ગીર હેઠળ આવે છે અને પ્લાન્ટ માટે પસંદ કરાયેલી જગ્યાથી આશરે ૨૦૦ મીટર દૂર વન વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સિંહ, હરણ અને મોર સહિતનાં વન્યજીવોની અવરજવર રહે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાથી પર્યાવરણ અને વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત આસપાસના ગૌચર વિસ્તારમાં પશુધન ચરવા માટે જતું હોવાથી પ્લાન્ટમાંથી નીકળતા કચરા, દુર્ગંધ અને સંભવિત પ્રદૂષણની અસર પશુધન તથા ગ્રામજનોના આરોગ્ય પર પડી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બહાદુર બેરાએ વન્યજીવ સંરક્ષણ અને વન વિભાગની મંજૂરી સામે સવાલો ઉઠાવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં સિંહોની અવરજવર રહેતી હોવાથી પ્લાન્ટ સ્થાપવાના નિર્ણય અંગે વન વિભાગ અને વહીવટી તંત્રએ પુનર્વિચાર કરવો જોઈએ.






































