માનવજીવનમાં દરેક વ્યક્તિની વિચારવાની, સમજવાની અને અભિવ્યક્તિ કરવાની રીત અલગ હોય છે. દરેક વ્યક્તિનો ઉછેર, સંસ્કાર, અનુભવ, અભ્યાસ અને જીવન પ્રત્યેનો અભિગમ જુદો હોય છે. તેથી બે વ્યક્તિઓના વિચારો એકસરખા હોય તે જરૂરી નથી. જ્યાં બે વ્યક્તિઓ ભેગાં થાય છે ત્યાં વિચારોનું આદાનપ્રદાન થાય છે અને ક્યારેક વૈચારિક મતભેદ પણ સર્જાય છે. હકીકતમાં મતભેદ એ જીવનનો સ્વાભાવિક ભાગ છે, પરંતુ મતભેદને મનભેદમાં ફેરવી દેવા એ આપણી સમજણની ખામી છે.
એક જ પરિવારના સભ્યો, એક જ સંગઠનમાં કામ કરતા કાર્યકરો, એક જ વિચારધારામાં માનતા લોકો કે વર્ષોથી સાથે રહેતા મિત્રો વચ્ચે પણ વૈચારિક મતભેદ હોઈ શકે છે. પ્રશ્ન એ નથી કે આપણા વિચારો કેટલા જુદા છે, પરંતુ પ્રશ્ન એ છે કે જુદા વિચારો હોવા છતાં આપણે એકબીજાનો કેટલો આદર જાળવી શકીએ છીએ.
વૈચારિક મતભેદ એ વિકાસની નિશાની છે, જ્યારે મનભેદ એ સંબંધોના પતનની શરૂઆત છે.
લોકશાહીની સૌથી મોટી સુંદરતા જ એ છે કે અહીં દરેક વ્યક્તિને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે. જો દરેક વ્યક્તિ એકસરખું જ વિચારતી હોત તો ચર્ચા, સંવાદ, વિચારમંથન અને નવીનતાને કોઈ સ્થાન જ ન હોત. ક્યારેક આપણાથી જુદો વિચાર ધરાવતી વ્યક્તિ આપણને જીવનની એવી હકીકત સમજાવી જાય છે, જેનો આપણે ક્યારેય વિચાર પણ કર્યો ન હોય. એટલે જ વિપરીત વિચારોને સાંભળવાની તૈયારી હોવી જોઈએ.
પરંતુ આજના સમયમાં એક વિચિત્ર માનસિકતા જોવા મળે છે. જે વ્યક્તિ આપણા વિચારો સાથે સહમત થાય તે આપણને સારી લાગે છે અને જે વ્યક્તિ અસહમત થાય તેને આપણે વિરોધી માની લઈએ છીએ. કોઈ વ્યક્તિ આપણી વાતનો વિરોધ કરે તો આપણે તેને વ્યક્તિગત અપમાન સમજી બેસીએ છીએ. ચર્ચા ધીમે ધીમે દલીલમાંથી આક્ષેપમાં અને આક્ષેપમાંથી સંબંધોના અંત સુધી પહોંચી જાય છે.
યાદ રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિના વિચારો સાથે અસહમત થવાનો અર્થ એ નથી કે તે વ્યક્તિ ખરાબ છે. વ્યક્તિ અને તેના વિચારો બંનેને અલગ રાખવાની સમજણ જ સાચી પરિપક્વતા છે.
પરિવાર હોય કે સમાજ, શિક્ષણ સંસ્થા હોય કે સંગઠન, દરેક જગ્યાએ સંવાદનું મહ¥વ સૌથી વધારે છે. કોઈ નિર્ણય સાથે અસહમતિ હોય તો તેનો વિરોધ ચોક્કસ કરો, પરંતુ વિરોધની ભાષા સભ્ય હોવી જોઈએ. કોઈની વાત ખોટી લાગે તો દલીલથી સમજાવો, અપમાનથી નહીં. કારણ કે શબ્દોનો ઘા ક્યારેક વર્ષો જૂના સંબંધોને પણ તોડી નાખે છે.
સંગઠનમાં તો ખાસ કરીને વ્યક્તિગત અહંકાર કરતાં સામૂહિક હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. હોદ્દો, પ્રતિષ્ઠા કે વ્યક્તિગત પસંદગી કરતાં સંગઠનનો હેતુ મોટો હોવો જોઈએ. નિર્ણયમાં મતભેદ હોઈ શકે, પરંતુ હેતુમાં એકતા હોવી જોઈએ. કારણ કે સંગઠનની તાકાત દરેક વ્યક્તિના એકસરખા વિચારોમાં નહીં, પરંતુ જુદા જુદા વિચારોને સાથે લઈને ચાલવાની ક્ષમતામાં રહેલી છે.
જીવનમાં એક વાત હંમેશાં યાદ રાખવા જેવી છે કે સંબંધો જીતવા માટે દલીલોમાં જીતવું જરૂરી નથી. ક્યારેક પોતાની વાતને વિરામ આપીને બીજાની વાત સાંભળવી એ પણ એક મોટી જીત હોય છે.
અંતે એટલું જ કે વિચારોની લડાઈમાં સંબંધોનું બલિદાન ન આપીએ. અસહમતિ વ્યક્ત કરીએ, પરંતુ આદર ગુમાવીએ નહીં. વિરોધ કરીએ, પરંતુ વેર ન રાખીએ. કારણ કે વિચારો બદલાઈ શકે છે, પરિસ્થિતિઓ બદલાઈ શકે છે, પરંતુ સારા સંબંધો અને માનવીય મૂલ્યો જીવનની સાચી મૂડી છે.
વિચારોના આકાશમાં ભલે દિશાઓ જુદી હોય, સંબંધોની ધરતી પર લાગણીઓ એકસરખી હોય. મતભેદ રાખીએ પણ મનભેદ ના થવા દઈએ,વિચારો જુદા હોય છતાં હૃદયથી જોડાયેલા રહીએ.








































