લાઠી તાલુકાના વિરપુર ગામે નવા પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઇ તારપરાના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. ગામના વહીવટી કાર્યોને વધુ સુવ્યવસ્થિત અને સરળ બનાવવા તેમજ ગ્રામજનોને પંચાયતલક્ષી સેવાઓ સ્થાનિક સ્તરે જ સરળતાથી મળી રહે તે દિશામાં નવા પંચાયત ભવનનું નિર્માણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, ગામડાઓનો સર્વાંગી અને સુવિધાસભર વિકાસ એ સરકારની વિકાસયાત્રાનું મહત્વનું અંગ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, પાણી, શિક્ષણ, આરોગ્ય, પંચાયત ભવન સહિતની માળખાકીય સુવિધાઓને સતત મજબૂત બનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ, આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





































