સાવરકુંડલા તાલુકાના નાળ ગામે કબૂતરના માલિકી હક બાબતે થયેલી બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને એક યુવાન પર લોખંડના પાઇપ અને લાકડાના બડીયાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.ગત તા. ૧૫ નવેમ્બરની રાત્રીએ આ બનાવ બન્યો હતો. નાળ ગામના વિશાલભાઈ સોમાભાઈ સાપાવડિયાના ઘરે આરોપીઓ હાર્દિકભાઈ ચંદુભાઈ મકવાણા, રિંકલબેન ચંદુભાઈ મકવાણા અને કૈલાશબેન ચંદુભાઈ મકવાણા ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ઘરે પાળેલા કબૂતરો પોતાના હોવાનો દાવો કર્યો હતો. જો કે, ફરિયાદી અને સાહેદે કબૂતરો પોતાના હોવાનું જણાવતા આરોપીઓને સારું લાગ્યું ન હતું.આ બાબતે ઉશ્કેરાઈને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપી હતી. જેમાં હાર્દિકભાઈએ લોખંડના પાઇપનો ઘા ફરિયાદીના માથાના ભાગે મારતા બે ટાંકા આવ્યા હતા, જ્યારે રિંકલબેને લાકડાના બડીયાથી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































