લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં ૨ નવેમ્બરની મોડી રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ગાડીની અંદર સૂતેલા એક સગીર સહિત બે યુવકોનાં અડધા બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગાડીના કબજા અને નાણાકીય લેતીદેતીના વિવાદમાં આ ડબલ મર્ડર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સહિત બે શખ્સોને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં આવેલી અશ્વિનભાઈ જીવરાજભાઈ કાછડિયાની વાડીમાં આ બનાવ બન્યો હતો. વાડીનું સંચાલન તેમના ભાઈ સુરેશ પટેલ દ્વારા કરવામાં આવે છે અને ત્યાં ભાગીયા રાખીને ખેતીકામ કરાવવામાં આવે છે. છેલ્લા આશરે ચાર મહિનાથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સભ્યો આ વાડીમાં રહીને ખેતીકામ કરતા હતા. વાડીમાં ભાગીયા પરિવારની તુફાન પેસેન્જર ગાડી પાર્ક કરવામાં આવી હતી, જેમાં રાત્રિના સમયે બે યુવકો સૂતા હતા.આ અંગે વાડી માલિકના સંબંધી રમેશ વાલજીભાઈ કાછડિયાના જણાવ્યા મુજબ, ૨ નવેમ્બરની મોડી રાત્રે આશરે ૧ઃ૨૦ વાગ્યાના અરસામાં તેમના ફુઆનો ફોન આવ્યો હતો. તેમણે જાણ કરી હતી કે વાડીમાં ભાગીયાની તુફાન ગાડી સળગાવી દેવામાં આવી છે અને ગાડીની અંદર સૂતેલા બે યુવકો આગની ઝપેટમાં આવી જતાં તેમનાં મોત નીપજ્યાં છે. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.બીજી તરફ, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રાત્રે આશરે ૧૧ વાગ્યા સુધી તેઓ જાગતા હતા અને ત્યારબાદ સૂઈ ગયા હતા. તેમનો પુત્ર રવિ અને તેમની બહેનનો દિયર નીતિન ગાડીમાં સૂતા હતા. દરમિયાન રાત્રે આશરે ૧૨ઃ૩૦ વાગ્યા બાદ અચાનક ધડાકા જેવો અવાજ સંભળાતાં તેઓ જાગી ગયા હતા. બહાર આવીને જોતાં તુફાન ગાડીમાં આગ લાગી હોવાનું જણાયું હતું. પરિવારજનોએ પૈસાની લેવડદેવડ અને ગાડી પોતાના કબજામાં રાખવાના વિવાદને લઈને વિનોદ નામના શખ્સે ગાડીને આગ લગાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
લીલીયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ સ્ટેશનનો કાફલો અને એફ.એસ.એલ.ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આગની ઘટનાની તપાસ હાથ ધરી હતી અને ગાડીમાંથી મળી આવેલા બંને મૃતદેહની ઓળખ કરવાની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા તાલુકાના ફળિયા ગામના વતની તરીકે થઈ હતી. જેમાં રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર વર્ષ ૧૬) અને નીતિન રામસિંગ પચાયા (ઉંમર વર્ષ ૨૧)નો સમાવેશ થાય છે. એક સગીર અને એક યુવાનનું આ રીતે કરુણ મોત થતાં શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
તુફાન ગાડી બાબતે નાણાકિય વિવાદ હત્યાનું કારણ
આ ડબલ મર્ડર અંગે ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદી કમલેશ બધેલ અને આરોપીઓ વચ્ચે તુફાન ગાડી તથા નાણાકીય લેતીદેતી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આરોપી વિનોદ વરસીંગભાઈ ડોડીયારે રીતેશસિંહ નામના વ્યક્તિ પાસેથી હપ્તેથી તુફાન ગાડી ખરીદી હતી. જોકે, સમયસર હપ્તાની રકમ ભરવામાં આવી ન હોવાથી ગાડીના મૂળ માલિક રીતેશસિંહે પોતાના મિત્ર કમલેશ બધેલને ગાડીનો કબજો લેવા જણાવ્યું હતું. ગાડી પેટે આશરે રૂ. ૬૦ હજારની રકમ ચૂકવવાની બાકી હતી. આથી દસ દિવસ અગાઉ કમલેશ બધેલે ગાડી પોતાના કબજામાં રાખી હતી.
બે આરોપીની પોલીસે ધરપકડ કરી
ગાડીનો કબજો ગુમાવવાના મનદુઃખ અને નાણાકીય વિવાદને કારણે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુખ્ય આરોપી વિનોદ વરસીંગભાઈ ડોડીયાર અને તેના પિતરાઈ ભાઈ રાજુ ગોરધનભાઈ ડોડીયાર, બંને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંનેએ એકબીજાની મદદગારીથી મોડી રાત્રે વાડીમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં બહારથી આગ ચાંપી દીધી હતી. પરિણામે ગાડીની અંદર સૂતેલા રવિ અને નીતિન આગની લપેટમાં આવી ગયા હતા અને બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
પોલીસે બેવડી હત્યાનો ગૂનો નોંધ્યો
આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનમાં બેવડી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એફ.એસ.એલ.નો રિપોર્ટ અને બંને મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તપાસને વધુ વેગ આપવામાં આવશે.ડી.વાય.એસ.પી.ના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ગાડીના કબજા અને નાણાકીય વ્યવહારનો વિવાદ હત્યાનું મુખ્ય કારણ હોવાનું જણાયું છે. જોકે, એફ.એસ.એલ. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ નવી હકીકત સામે આવશે તો તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ગુંદરણ ગામની સીમમાં બનેલી આ નિર્મમ ઘટનાને પગલે સમગ્ર લીલીયા પંથકમાં ભારે ચકચાર મચી છે.









































