ધારી તાલુકાના ચલાલા સ્થિત દાનેવધામ ખાતે મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોગલમાંના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચલાલા અને મીઠાપુર વિસ્તારનાં વિવિધ મંદિરોમાં ધાર્મિક સેવા આપતા પૂજારીઓનું સન્માન કરીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાથસણીના પૂજ્ય ભક્તિરામબાપુ માનવમંદિર, ગઢિયા ગીર દાનેવ આશ્રમના મહંત હર્ષદબાપુ ભગત, રામબાપુ, ઢોલરવાના ભૂતડા દાદા મંદિરના મહંત, ઉદયબાપુ ભગત, મયુરબાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, લાલજીભાઈ બોદર, પ્રકાશભાઈ કારિયા, કીર્તિભાઈ ભટ્ટ, મેહુલભાઈ ત્રિવેદી, ટીનુભાઈ લલિયા અને વનરાજ ડામોર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુદાદા જાની દ્વારા પૂજારીઓના સન્માનની આ પહેલ કરવામાં આવી હતી. મંદિરોના નિર્માણ પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ મંદિરોમાં નિયમિત ધાર્મિક સેવા આપતા પૂજારીઓના યોગદાનને ઘણીવાર પૂરતું મહત્વ મળતું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને પૂજારીઓનું સન્માન કરવાનો વિચાર અમલમાં મૂકાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ આ પહેલને આવકારી હતી.આ પ્રસંગે મહેમાનો દ્વારા ટ્રસ્ટના પ્રમુખ રાજુદાદા જાનીનું પણ ફૂલહાર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજુદાદા જાની, મિતેશભાઈ ભટ્ટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. પૂજારીઓનું સન્માન કરીને ટ્રસ્ટે તેમની ધાર્મિક સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સંદેશ આપ્યો હતો.






































