ગુજરાત પર અંધારપટ તોળાઈ રહ્યો છે ?
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વીજળીની અછત સર્જાઈ છે અને વીજસંકટ પેદા થયું છે. ગુજરાત ૨૪ કલાક વીજળી આપવા માટે જાણીતું છે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી વીજળી અચાનક ગુલ થઈ જવાનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં એક તરફ ગરમી વધી છે ત્યારે બીજી તરફ ગમે ત્યારે લાઈટ જતી રહે છે તેના કારણે લોકોની હાલત કફોડી થઈ જાય છે.
શહેરી વિસ્તારોમા પણ અચાનક રાત્રે લાઈટ જતી રહે તેના કારણે એસી-પંખા બંધ થઈ જાય ને લોકોની ઉંઘ ઉડી જાય એવું વારંવાર બની રહ્યું છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં અઠવાડિયામાં એક વખત ૮ કલાકનો વીજકાપ પણ મૂકેલો કે જે કેટલાક વિસ્તારોમાં પાછો ખેંચાયો છે પણ વીજસંકટ સાવ જતું રહ્યું નથી.
આ સમસ્યા વિકટ બને ને ગુજરાતે લાઈટ વિના ચલાવવું પડે એવા દિવસો આવી જશે કે શું એ સવાલ અત્યારે તો પૂછાઈ રહ્યો છે. ગુજરાતમાં સર્જાયેલી વીજળીની કટોકટી માટે માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ જવાબદાર છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં વીજ ઉત્પાદનમાં વધારો છે.
૨૦૨૦ -૨૧માં રાજ્યમાં કુલ વીજ ઉત્પાદન ૬,૨૧૫ કરોડ યુનિટ હતું. જે ૨૦૨૪માં વધીને ૧૦,૪૮૩ મિલિયન યુનિટે પહોચ્યું છે. સામે ગુજરાતમાં વીજળીની માંગ પણ વધી છે. ગયા વરસે ગુજરાતમાં વીજળીનો વપરાશ ૧૫,૧૩૦ કરોડ યુનિટ હતો. મતલબ કે, જેટલું ઉત્પાદન થાય છે તેના કરતાં અડધી વીજળી બહારથી ખરીદવી પડે છે. આ કારણે દર વરસે અછત તો રહેતી પણ દેખાતી નહોતી.
આ વરસે સ્થિતી બગડી કેમ કે વીજ ઉત્પાદન ઘટ્યું અને વપરાશ વધ્યો છે. ઉત્પાદન ઘટવાનાં મુખ્ય કારણ સૂર્યાસ્ત પછી સોલાર પાવર બંધ થવો, કોલસા અને ગેસ મોંઘાં થવાં, બંધોમાં પાણીની ઓછી આવક વગેરે કારણો જવાબદાર છે.
ગુજરાતમાં કુલ ૫૮ હજાર મેગાવોટ ઉત્પાદન ક્ષમતા છે, જેમાંથી ૫૪ ટકા એટલે કે લગભગ ૩૨ હજાર મેગાવોટ હિસ્સો સોલાર અને વિન્ડ જેવી ગ્રીન એનર્જીનો છે. દિવસે સોલારથી પાવર મળે છે, પરંતુ સૂર્યાસ્ત પછી સોલાર વીજળીનું ઉત્પાદન બંધ થઈ જાય છે. બીજી તરફ સાંજ પછી લોકો ઘરે હોય તેથી એસી-પંખા વધારે ચાલુ થાય છે તેથી રાત્રે વીજળીની માંગ બમણી થઈ જાય છે એટલે ગેપ સર્જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવ વધ્યા તેની પણ અસર થઈ છે. ઈરાન-અમેરિકા યુધ્ધની અસરને કારણે વીજ ઉત્પાદન મોંઘું થઈ ગયું છે. ભાવ વધારાને કારણે રાજ્યની ૩૧ કંપનીઓએ કેપ્ટીવ પાવર પ્લાન્ટ્સ બંધ કરી દીધા છે અને સરકારી વીજી પર નિર્ભર થઈ ગઈ છે. આ વરસે વરસાદ ઓછો પડ્યો તેમાં નર્મદા, કડાણા અને કાકરાપાર જેવા વીજ ઉત્પાદન કરતા ડેમોમાં પાણીનું સ્તર ઓછું હોવાથી જળ દ્વારા પેદા થતી વીજળી ઘટી છે તેની પણ અસર છે.
જો કે આ અસરો કામચલાઉ છે. હવે શિયાળો નજીક છે તેથી વીજળીની માંગમાં ઘટાડો થશે. તેથી આ સંકટ હળવું થઈ જશે. એકાદ મહિનામાં તો સ્થિતી કાબૂમાં આવી જશે. તેથી ગુજરાત અંઘારપટ તરફ ધકેલાઈ રહ્યું હોવાની ચિંતા કરવા જેવી નથી.
ભારતમાં પણ સ્થિતી કફોડી છે.
ભારતમાં ઓક્ટોબર ૨૦૨૬માં ગંભીર વીજ સંકટની સ્થિતિ સર્જાઈ હોવાનું સરકારી આંકડા જ કહે છે. ભારતમાં છેલ્લે ૨૦૨૩ના ઓગસ્ટમાં આવી સ્થિતી સર્જાઈ હતી એ જોતાં ત્રણ વર્ષ પછી ભારત ફરી ગંભીર વીજસંકટનો સામનો કરી રહ્યો છે.
સપ્ટેમ્બર ૨૦૨૬ના આંકડા અનુસાર દેશમાં વીજળીની અછત વધીને ૫૬ કરોડ યુનિટને પાર થઈ ગઈ છે અને દેશનાં લગભગ તમામ મોટાં રાજ્યો વીજળીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. દેશનાં સૌથી મોટાં અને ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતાં ૯ રાજ્યોએ તો કેન્દ્ર સરકાર પાસે વધારાની વીજળી અને વીજમથકો માટે કોલસાની માંગ પણ કરી છે. દેશભરમાં સાંજે સૂર્યાસ્ત થયા પછી એટલે કે સાંજે ૫ થી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન ગ્રીડ પર દબાણ ખૂબ વધી જાય છે અને વીજ કાપનો ખતરો સર્જાય છે તેથી રાજ્યો પરેશાન છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ ૯ રાજ્યોમાં વીજસંકટની સ્થિતી હોવાથી કેન્દ્ર સરકાર પાસે વધારાની વીજળી માગવી પડી છે.
ભારતમાં સર્જાયેલા વીજ સંકટ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે પણ મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચેની ખાઈ પૂરવામાં નિષ્ફળતા છે. ભારતમાં વસ્તી વધી છે, શહેરીકરણ વધ્યું છે, ઔદ્યોગિકીકરણ પણ વધ્યું છે તેથી વીજળીની માંગ વધી છે પણ એટલા પ્રમાણમાં વીજ ઉત્પાદન વધ્યું નથી તેથી અછત સર્જાય છે.
અત્યારે વીજ સંકટ સર્જાવાના મુખ્ય કારણોમાં એક કારણ અલ નીનો (El Niño) ઇફેક્ટ અને વધતી ગરમી પણ છે. આ વખતે ઓક્ટોબરમાં તાપમાન ઊંચું રહ્યું તેથી ઘરોમાં કૂલિંગ માટે એસી અને પંખા સતત ચલાવવા પડે છે એટલે લોડ અચાનક વધી ગયો છે.
આ સિવાય જળ વીજ ઉત્પાદન પણ ઘટ્યું છે કેમ કે નબળું ચોમાસું છે. કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડવાને કારણે નદીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી. તેથી હાઇડ્રો પાવર (જળવિદ્યુત) પ્લાન્ટ્સનું ઉત્પાદન ઘટી ગયું છે. આ સિવાય પવનની ગતિ ઓછી હોવાને કારણે પવનચક્કીઓ (Wind Energy) માંથી અપેક્ષા મુજબની વીજળી પેદા થઈ રહી નથી.
છેલ્લાં કેટલાંક વરસોમાં ભારત સૂર્ય ઉર્જા પર વધારે નિર્ભર થયું છે. ગુજરાત સહિતના રાજ્યો સોલાર ઊર્જામાં અગ્રેસર છે પણ સોલાર પેનલ માત્ર દિવસે જ કામ કરે છે. સાંજ પડતાં જ સોલાર ઉત્પાદન શૂન્ય થઈ જાય છે અને બધો જ ભાર થર્મલ પાવર એટલે કે કોલસા આધારિત પ્લાન્ટ્સ પર આવી જાય છે.
કોલસા આધારિત પ્લાન્ટ્સ કોલસાની તંગી અને પરિવહન સમસ્યાઓના કારણે જરૂરી ઉત્પાદન કરી શકતા નથી. દેશના અડધાથી વધુ કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં અત્યારે કોલસાનો સ્ટોક ઘણો ઓછો છે. આ સિવાય પાવર પ્લાન્ટ્સ સુધી કોલસો સમયસર પહોંચાડવામાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા નડી રહી છે કેમ કે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો અવરોધાયો છે.
આ બધાં કારણોસર દેશભરમાં વીજળીનું સંકટ છે.
આ સમસ્યાનો ઉકેલ શું ?
આ સમસ્યાનો ઉકેલ પરમાણુ ઉર્જા દ્વારા વીજ ઉત્પાદનના પ્રમાણમાં વધારો છે.
મોદી સરકારે ઉર્જા ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા માટે ‘રેઈનબો વિઝન’ રજૂ કર્યું તેમાં ગેસ, થર્મલ, હાયડ્રો, સોલર, વિન્ડ, બાયો-માસ અને ન્યુક્લીયર એ સાત સ્રોત દ્વારા ઉર્જાર્ ઉત્પાદનનું લક્ષ્ય રખાયું છે. મોદી સરકારે કુદરતી સ્રોતના આધારે ક્યાં ક્યા પ્રકારનો સ્રોત વપરાશે એ પણ નક્કી કર્યું છે. ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા તથા મધ્યપ્રદેશમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ જ્યારે કોલસાના ઉત્પાદનમાં મોખરે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ તથા આંધ્રપ્રદેશમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થપાશે.
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં હાયડ્રો પાવર પ્લાન્ટ તેમજ ગુજરાત, રાજસ્થાન જેવા સૂર્યપ્રકાશથી ભરપૂર રણ વિસ્તારો ધરાવતાં રાજ્યોમાં સોલર પાવર પ્લાન્ટ ઉભા કરાશે. તમિલનાડુ, કેરળ જેવા દરિયાકાંઠાનાં રાજ્યોમાં વિન્ડ પાવર અને દેશનાં તમામ શહેરોમાં બાયો-માસ પાવર ઉત્પાદન કરવાનું વિઝન છે.
દેશમાં ઠેર ઠેર ન્યુક્લીયર પાવર પ્લાન્ટ બનાવવાનું પણ વિઝન છે ને મુખ્ય ભાર તેના પર મૂકવાની જરૂર છે કેમ કે ભારત વીજ ઉત્પાદન મુદ્દે હજુય પછાત છે અને કોલસા આધારિત વીજ ઉત્પાદન પર નિર્ભર છે. આ નિર્ભરતા ઘટાડીને પરમાણુ ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન વધારવાની જરૂર છે. ભારતમાં હાલમાં ૮.૭૮ ગીગાવાટ (GW) અથવા ૮૭૮૦ મેગાવોટની કુલ ક્ષમતા સાથે ૨૪ પરમાણુ ઉર્જા રિએક્ટર કાર્યરત છે પણ તેમાં વીજ ઉત્પાદન નહિવત છે કેમ કે દેશમાં કુલ વીજ ઉત્પાદનમાં પરમાણુ ઉર્જાનો ફાળો માત્ર ૩ ટકા જેટલો છે.
મોદી સરકારે આ ઉત્પાદન વધારવા માટે કમર કસી છે. સરકાર દ્વારા ૨૦૪૭ સુધીમાં પરમાણુ વીજ ઉત્પાદન ક્ષમતા વધારીને ૧૦૦ ગીગાવાટ (GW) સુધી લઈ જવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ લક્ષ્ય પાર પડે તો દેળના વીજ ઉત્પાદનમાં ૩૩ ટકા હિસ્સો પરમાણુ ઉર્જા દ્વારા પેદા થતી વીજળીનો હશે. મોદી સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે નવા રિએક્ટર્સ અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMR) ના વિકાસ પર ભાર મૂકી રહી છે. આ લક્ષ્ય પાર પડે તો કદી વીજ સંકટ નહીં સર્જાય.









































