કોઈપણ ક્રાંતિનો ગર્ભ માણસજાતની વેદનાઓથી બંધાય છે. અન્યાય, જુલ્મ, અપમાનની એડી તળે કચડાતી પ્રજા એક વખત ફિનિક્સની જેમ બેઠી થાય છે અને સિતમગર કે સ્થિતિથી મુક્તિ મેળવવાના પુરુષાર્થપથ પર નીકળી પડે છે. ભોગવેલી વેદના અને પીડાઓએ એ શક્તિ ભરી દીધેલ હોય છે કે રસ્તામાં આવતા બધા અવરોધોને કચડીને પોતાનું ગંતવ્ય પ્રાપ્ત કરી લે છે. કોઈ રાહબર પેદા થાય છે જે એ પ્રજાની પીડાને પિછાણે છે, મુક્તિ સુધી દોરી જાય છે. પ્રજાની વેદનાઓથી પ્રગટેલ પુણ્યશક્તિનું હથિયાર લઈને મહાબલીને લલકારે છે. જવાહરલાલ નહેરુએ ક્રાંતિની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે “ક્રાંતિ સમયના રાજકારણ એ રાજાઓ તેમજ રાજદ્વારી પુરુષોની રાજરમત નથી રહેતી. તેમનો વ્યવહાર વાસ્તવિકતા સાથે હોય છે અને તેમની પાછળ સંસ્કારરહિત મનુષ્ય સ્વભાવ અને ભૂખ્યા લોકો ના ખાલીખમ પેટ હોય છે.” ડિઝરાયલીએ કહ્યું હતું કે “ઇતિહાસમાં બેજ બનાવો બન્યા છે એક છે ટ્રોય નો ઘેરો અને બીજો ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ.” કારણ કે ફ્રાન્સની ક્રાંતિ રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક એમ બહુવિધ આયામ સ્વરૂપની હતી.
એ ક્રાંતિના લક્ષ્યાંકો સ્પષ્ટ અને સમષ્ટ હોય છે. ક્રાંતિ સમગ્ર પ્રજા માટે થઇ શકે છે, વ્યક્તિગત ઉદ્દેશો પાર પાડવા ક્રાંતિ નથી થઇ શકતી અને એ નેતા અકસ્માતે પેદા નથી થતો, એ પ્રજાની વચ્ચે રહીને, પ્રજાએ ભોગવેલી યાતનાઓ ભોગવીને પ્રજાની વચ્ચેથી જ ઉભો થાય છે. લોકશાહીમાં જો પ્રજા વચ્ચે ક્રાંતિનું પરિબળ મોજૂદ હોય તો પ્રજા મતદાન દ્વારા સરકારને ઉથલાવી શકે છે. લગાતાર ચૂંટાતી રહેતી સરકારને છમકલા કરીને ઉથલાવી નથી શકાતી. વ્યક્તિગત મહત્વકાંક્ષા જનાદેશની વિરુધ્ધમાં અને ઉપર નથી રાખી શકાતી. ક્રાંતિના પાયામાં વ્યક્તિગત મહત્વકાંક્ષા કે ક્ષણિક ઉન્માદ નથી હોતો.
ભારતમાં આજકાલ વિપક્ષો અને કહેવાતા વિદ્યાર્થી કે યુવા પ્રતિનિધિઓ ક્રાંતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમાંના ઘણા બાંગ્લાદેશી ઇસ્લામિક બળવાને આદર્શ માનીને નવી દિલ્હીમાં ઉતરી પડ્યા છે. વિપક્ષના લગભગ બધા રાજકીય પક્ષો આવા ચળવળકારોના સહારે સરકારને ઉથલાવવા માંગે છે. એમ માનવાને કારણ સ્પષ્ટ છે કે એ પક્ષોમાંથી કોઈ નેતા આવી ચળવળોની આગેવાની લઇ શકે તેવો ચહેરો ધરાવતા નથી એટલે જ અ વિપક્ષો રાતોરાત ઉગી નીકળેલા પાક સાથેના નિંદામણ જેવાને આગળ ધરીને ક્રાંતિ કરી જવા માંગે છે. એ બધાનું એવું સ્પષ્ટ માનવું છે કે જે ડખો ઢાકા, કાઠમંડુ કે કોલંબોમાં થયો એ નવી દિલ્હીમાં પણ થઇ જશે. ઢાકામાં સત્તાપલટા બાદ હિંદુઓ સાથે શું થયું હતું એ દેશ આખો જાણે છે. મુદ્દાની વાત એ ચુકી જવાઈ રહી છે કે જે બાબતને મુદ્દો ગણીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, એ મુદ્દો પ્રજા વચ્ચે મુદ્દો નથી. લાખોની સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ ગાયબ કરી દેવામાં આવ્યાના આરોપ કે દાવાઓ વચ્ચે હજારોની સંખ્યા પણ આવી નથી કે અમારા નામ કપાઈ ચુક્યા છે. જે નામો કપાયા છે એ બાંગ્લાદેશી ઘુસણખોરો હોવાની શક્યતા ચર્ચાઈ રહી છે. તો શું વિપક્ષો બાંગ્લાદેશના નાગરિકોના ભારતમાં મતાધિકાર માટે લડત ચલાવી રહ્યા છે ?
યુવાઓના એક આંદોલનને લઈને એક કેન્દ્રીય પ્રધાનનું રાજીનામું પડ્યું અને તમામ વિપક્ષો ભ્રમમાં રાચી ગયા કે સરકારને ઝુકાવી શકાય છે. સરકારે પણ અરાજક દેખાવો સામે નમાલી થઈને એ અરાજક તત્વોને મનાવવાનો મુજરો કરી નાખ્યો. સુપ્રીમ કોર્ટે અરાજક તત્વો સામે કે જેણે દેશની રાજધાનીને બાનમાં લીધી હતી, જેણે ફરજ પરના સુરક્ષા કર્મીઓને માર માર્યો હતો, તેની સામે કોઈ કાર્યવાહી ન કરવાનો હૂકમ કરી દીધો. આ પ્રકારના નપુંસક નિર્ણયોથી દેશને અસ્થિર કરવા માંગતી તાકતોની હિંમત વધુ ખુલી ગઈ અને લુખ્ખાઓની જેમ સરકાર, સુરક્ષાદળો અને બધારણીય સંસ્થાઓને શેરીઓમાં જઈને લલકારવા લાગ્યા. સુપ્રીમ કોર્ટથી લઈને દેશના વડાપ્રધાન સુધી બધાને એક પછી એક એમ અલ્ટીમેટમ આપવા લાગ્યા, આટલા કલાકમાં આમ કરી નાખો, આટલા કલાકમાં તેમ કરી નાખો. બાપના ખેતરમાં કોઈ હરાયું ઢોર ઘૂસે અને છોકરા તગેડવા હાકલા કરે એમ જેની આવે તેની સામે હાકલાઓ કરવા લાગ્યા. આ લોકોએ સરકાર અને સંવૈધાનિક સંસ્થાઓને નધણીયાતી માની લીધી છે. આવા તત્વો સામે સમયે જે કાર્યવાહી થવી જોઈતી હતી એ થઇ નહિ. સરકાર સદભાવ બતાવતી રહી અને આ તત્વો ઉદંડ થતા ગયા. એ લોકો કદાચ ભૂલી ગયા છે કે સરકાર અને સંવિધાન પ્રજાના પીઠબળે ઉભા છે. સંવૈધાનિક સંસ્થાઓ પાછળ પર પ્રજાનું પરોક્ષ પીઠબળ છે. પ્રજા આ તમાશો જોઈ રહી છે.
જો કોઈ સામુહિક બદલાવ આણી શકાય એવા મુદ્દાઓ કે પરિબળો પ્રજાની વચ્ચે પડ્યા હોય તો એ વધુ સમય દબાવી શકાતા નથી. આજના દૂરસંચાર યુગમાં તો કોઈ વ્યક્તિગત અન્યાયને પણ જો વ્યવસ્થિત પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવે તો સીસ્ટમ કે સરકારે નિરાકરણ લાવવું પડે છે. એનો મતલબ એ નથી કે વજૂદ વિનાના સવાલો કે માંગો સાથે કોઈ સરકારને ઘેરી લઇ શકાય. પ્રજાની વિવેકબુદ્ધિ ઉચ્ચાંક ધરાવે છે. સામુદાયિક અને વ્યક્તિગત એમ બંને પરિમાણ પર પ્રજાને મુર્ખ બનાવી શકાય એ સમય બે દાયકા પૂર્વ વીતી ચુક્યો છે.
ક્વિક નોટ – ….. અને આપણા ઇતિહાસમાં એ નાનો માણસ સતત આવતો રહે છે. એ નાનો માણસ, જે સ્વયંને દેશ કે જાતિ કરતા મોટો સમજે છે, એ નાનો માણસ. કુટિલ, બેવફા, દગાબાઝ, ગદ્દાર, ધૂર્ત, ડબલસ્પીકનો બેશરમ સૌદાગર, નેતીહાસનો દલાલ, લાલચ અને લાલસામાં અંધ નમકહરામ, સમજદાર નપુંસક, કાયર, દ્રોહીઓની અનૌરસ ઔલાદ…. – ચંદ્રકાંત બક્ષી.











































