અમરેલી ખાતે ગજેરા કેમ્પસના ક્રિકેટ સ્ટેડિયમમાં ‘વેલકમ નવરાત્રી-૨૦૨૬’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતીથી થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રાંત અધિકારી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા વતી મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઘરથી દુર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિવાર જેવી હૂંફ અને તહેવારની ખુશી મળે તે હેતુથી આયોજન કરાયુ હતું. વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ‘જય માતાજી’ના જયઘોષ સાથે ગરબે ઘુમ્યા હતા.




































