લીલીયા તાલુકાના ક્રાકચ ગામે સોલાર લોન કરાવી આપવાના બહાને પોસ્ટમેન તથા અન્ય લોકો સાથે રૂ. ૪.૮૯ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે સુરતના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વિગત મુજબ, ક્રાકચ ગામે પોસ્ટમેન તરીકે નોકરી કરતા બાબુલાલ ચીમનલાલ જોષી (ઉં.વ.૬૦)એ સુરત ખાતે રહેતા ભાવેશભાઈ વલ્લભભાઈ બારૈયા તથા અક્ષયકુમાર કિશોરભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી ભાવેશભાઈ બારૈયાએ બાબુલાલ જોષી તથા સાક્ષીઓને ઘરે સોલાર રૂફટોપ લગાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. તેણે ફરિયાદી અને સાક્ષીઓના બેંક એકાઉન્ટમાં સોલાર માટે લોન મંજૂર કરાવી હતી. ત્યારબાદ લોનની કુલ રૂ. ૪,૮૯,૬૦૦ની રકમ પોતે જે કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.રકમ મેળવ્યા બાદ સોલાર લગાવવાનું કામ પૂરું ન કરી ખોટા વાયદાઓ આપ્યા હતા. તેમજ સોલાર કંપનીના માલિક અક્ષયકુમાર કિશોરભાઈ પટેલે પણ સોલારનું કામ ન કરી આપી ખોટા વાયદા આપી ફરિયાદી તથા સાક્ષીઓ સાથે કુલ રૂ. ૪,૮૯,૬૦૦ની છેતરપિંડી આચરી હતી.આ બનાવ અંગે લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.




































