એશિયન ગેમ્સ સમાપ્ત થઈ ગઈ.
જાપાનના આઈચી અને નાગોયા એ બે શહેરો ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓએ કુલ ૮ મેડલ જીતીને ગૌરવપૂર્ણ દેખાવ કર્યો પણ ૪ વર્ષ પહેલાં ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સની સરખામણીમાં ભારતનો દેખાવ નબળો છે. ૨૦૨૨માં ભારતે ૨૮ ગોલ્ડ મેડલ સાથે કુલ ૧૦૬ મેડલ જીતેલા જ્યારે આ વખતે ૨૧ ગોલ્ડ સાથે કુલ ૮૫ મેડલ જીત્યા. ૨૦૨૨માં ભારત મેડલ ટેલીમાં ચોથા નંબરે હતું ને આ વખતે પણ ચોથા નંબરે જ છે પણ ભારતના મેડલની સંખ્યા લગભગ ૨૦ ટકા ઘટી છે.
આ વખતે ભારતે ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલ ૮૫ મેડલ જીત્યા પણ ૨૦૨૨ની સરખામણીમાં મેડલની સંખ્યામાં ૨૧નો ઘટાડો થયો છે અને ગોલ્ડ મેડલ તો ૭ ઓછા આવ્યા છે. ભારતે ૩૬ વિવિધ રમતોમાં ૪૯૫ એથ્લેટ્‌સ મેદાનમાં ઉતારેલા ને તેમાંથી ૨૦ ટકાથી પણ ઓછા એટલે કે માત્ર ૮૫ ખેલાડી મેડલ જીતી શક્યા છે.
ભારતે જીતેલા ૨૧ ગોલ્ડ મેડલમાંથી ૯ ગોલ્ડ એટલે કે લગભગ અડધા તો ટીમ ઈવેન્ટમાં છે. ક્રિકેટ, હોકી અને કબડ્ડી એ ત્રણેય રમતોમાં ભારતીય મહિલા અને પુરૂષ બંને ટીમે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય ફોર બાય ફોર હંડ્રેડ રીલે દોડમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની મહિલા તીરંદાજી ટીમે પણ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. દોડ અને તીરંદાજીમાં ટીમ ઈવેન્ટ હોય છતાં દરેક ખેલાડી શ્રેષ્ઠ દેખાવ કરે તો જ ગોલ્ડ મેડલ મળતા હોય છે એ જોતાં તેમની સિધ્ધીને વ્યક્તિગત માનીએ તો પણ કબડ્ડી, ક્રિકેટ અને હોકીના ગોલ્ડ મેડલ તો સંપૂર્ણપણે ટીમ ઈવેન્ટના જ છે એ જોતાં બહુ ઓછા ભારતીય ખેલાડીઓએ વ્યક્તિગત રીતે શાનદાર પ્રદર્શન કર્યું છે એમ કહી શકાય.
ભારતને સૌથી વધારે નુકસાન શૂટિંગ અને એથ્લેટિક્સમાં થયું છે. ભારતે ૨૦૨૩માં ચીનના ગ્વાંગઝૂમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ૨૮ ગોલ્ડ સાથે ૧૦૬ મેડલ જીત્યા ત્યારે શૂટિંગમાં ૭ અને એથ્લેટિક્સમાં ૬ ગોલ્ડ જીત્યા હતા. જાપાનમાં ભારત શૂટિંગમાં ૩ અને એથ્લેટિક્સમાં માત્ર ૧ ગોલ્ડ જીતી શક્યું તેથી આ બે રમતોમાં જ ભારતને ૯ ગોલ્ડનું નુકસાન થયું છે. છેલ્લાં કેટલાંક વરસોમાં ભારતીય શૂટર્સ ઓલિમ્પિક્સમાં પણ ડંકો વગાડી રહ્યા છે ત્યારે શૂટિંગનો દેખાવ અત્યંત નિરાશાજનક છે. ઓલિમ્પિક્સની ડબલ મેડલ વિજેતા મનુ ભાકર સહિતના શૂટર્સ અપેક્ષા પ્રમાણેનો દેખાવ ના કરી શક્યા તેનો ફટકો ભારતને પડ્‌યો છે.
૨૦૨૩માં ભારતે સ્ક્વોશમાં ૨ અને ટેનિસ, બેડમિન્ટન તથા ઘોડેસવારીમાં ૧-૧ ગોલ્ડ જીત્યો હતો. આ રમતોમાં આ વખતે ભારતને એક પણ ગોલ્ડ મળ્યો નથી. તેથી પણ ભારતને ફટકો પડ્‌યો જ છે.

ચીન ફરી એશિયન સ્પોટ્‌ર્સ સુપર પાવર સાબિત થયું.
ચીન ૧૯૮૨માં પહેલી વાર એશિયન ગેમ્સમાં ઉતર્યું ને ત્યારથી મેડલ જીતવામાં તેનો દબદબો રહ્યો છે. ચીન ૧૯૮૨થી અત્યાર સુધીની દરેક એશિયન ગેમ્સમાં સૌથી વધારે મેડલ જીત્યું છે. શરૂઆતમાં જાપાન, દક્ષિણ કોરીયા વગેરે દેશો ચીનને ટક્કર આપતા પણ હવે કોઈ ચીનની નજીક પણ નથી. ચીને પોતાની સર્વોપરિતા જાળવી રાખીને ૧૬૯ ગોલ્ડ મેડલ સહિત ૩૪૧ મેડલ જીત્યા છે. બીજા ક્રમે રહેલા જાપાને ૮૩ ગોલ્ડ જીત્યા છે કે જે ચીનના ગોલ્ડ મેડલ્સથી અડધાથી પણ ઓછા છે.
આ વખતની એશિયન ગેમ્સમાં ચીને ચીનની બહાર તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. એશિયન ગેમ્સમાં ચીને સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે યોજાયેલી ૧૯મી એશિયન ગેમ્સમાં કરેલો, ઘરઆંગણે યોજાયેલલી ગેમ્સનો ભરપૂર લાભ લઈને ચીને કુલ ૩૮૩ મેડલ જીતેલા કે જેમાં ૨૦૧ ગોલ્ડ, ૧૧૧ સિલ્વર અને ૭ બ્રોન્ઝ મેડલ હતા. ચીનનો આ રેકોર્ડ ભવિષ્યમાં ચીન જ તોડશે, બાકી બીજા કોઈનું ગજું નથી.
ભારત અને ચીનની વસતી લગભગ સરખી હોવા છતાં ચીન ભારત કરતાં ૮ ગણા વધારે ગોલ્ડ મેડલ જીત્યું છે તેના પરથી જ ચીન સ્પોટ્‌ર્સમાં આપણા કરતાં કેટલું આગળ છે એ સ્પષ્ટ થઈ જાય. ભારત વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે છતાં વૈશ્વિક કક્ષાની ઓલિમ્પિક ગેમ્સમાં ભારતના ચણાય નથી આવતા. ચાવ ટચૂકડા દેશો પણ ભારત કરતાં વધારે ગોલ્ડ મેડલ જીતી જાય છે ને આપણે એકાદ ગોલ્ડ મેડલ જીતી જઈએ તો પણ ખુશ થવું પડે એવી હાલત છે.
એલિમ્પિક ગેમ્સમાં તો અમેરિકા સહિતના વિશ્વના અતિ વિકસિત દેશો ભાગ લે છે તેથી તેમની સામે આપણે ના ટકી શકીએ એમ માનીને મન મનાવીએ પણ એશિયામાં તો મર્યાદિત સંખ્યા હોવા છતાં ભારત ટોપ થ્રીમાં પણ નથી આવતું એ કઠે છે. ચીન સાથે તો ભારતની સરખામણી શક્ય જ નથી પણ જાપાન અને સાઉથ કોરીયા જેવા દેશો પણ ભારતથી આગળ છે એ શરમજનક તો કહેવાય જ.
જાપાન અને સાઉથ કોરીયા તો વિકસિત દેશો છે તેથી તેમની સાથે સરખામણી ના કરીએ તો પણ ઈરાન, ઉઝબેકસ્તાન, થાઈલેન્ડ જેવા આપણાથી ગરીબ દેશો પણ આપણા જેવો જ દેખાવ કરે છે. ચીન અને જાપાન તો સ્પોટ્‌ર્સ માટે ખાસ પ્રોગ્રામ ચલાવે છે પણ આ નાના નાના દેશોના ખેલાડીઓ મર્યાદિત સાધનો અને સવલતો વચ્ચે પણ ભારતને ટક્કર આપતો દેખાવ કરી જાય છે એ જોતાં આ ખેલાડીઓ સલામના હકદાર છે.
ભારત ચીન જેવા દેશોને પછાડી શકતું નથી તેનું કારણ ભારતમાં સ્પોટ્‌ર્સ માટેના કલ્ચરનો અભાવ છે. ભારતમાં તમામ સ્પોટ્‌ર્સ માટેનાં એસોસિએશનો છે અને સરકાર ફંડ પણ આપે છે પણ એસોસિએશનો પર નેતાઓનો કબજો છે તેથી ફંડ ચવાઈ જાય છે ને ભારત ચીનની જેમ સ્પોટ્‌ર્સમાં પણ સુપરપાવર નથી બની શકતું.

ભારતનો દેખાવ કથળ્યો છે ?
છેલ્લાં કેટલાંક વરસોથી ભારતનો એશિયન ગેમ્સમાં દેખાવ સતત સુધરી રહ્યો છે તેથી ભારતને વધારે મેડલની આશા હતી પણ આ આશા ફળી નથી. છેલ્લી ૪ એશિયન ગેમ્સની વાત કરીએ તો ૨૦૧૦ની ચીનના ગ્વાંગઝૂમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે ૧૪ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૩૪ બ્રોન્ઝ સાથે ૬૫ મેડલ્સ જીતીને સારો દેખાવ કર્યો હતો. એ પછી ૨૦૧૪માં સાઉથ કોરીયાના ઈચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે ૧૧ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર મેડલ અને ૩૭ સિલ્વર મેડલ સાથે ૫૭ મેડલ જીતેલા.
ઈન્ડોનેશિયાના જાકાર્તામાં ૨૦૧૮માં રમાયેલી એશિયન ગેમ્સમાં આપણા રમતવીરો ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર ને ૩૦ બ્રોન્ઝ મેડલ સાથે મળીને કુલ ૬૯ મેડલ જીતીને પાછા આવેલા. ભારતનો આ દેખાવ સારો હતો પણ ૨૦૨૨માં ચીનના હાંગઝુમાં ભારતે સપાટો બોલાવીને સૌને દંગ કરી દીધેલા. ભારતે ૨૦૧૮ કરતાં લગભગ બમણા એટલે કે ૧૦ મેડલ જીત્યા હતા ને તેમાં ૨૮ તો ગોલ્ડ મેડલ હતા. ૩૮ સિલ્વર મેડલ અને ૪૦ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર લગીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
આ દેખાવના કારણે આ વખતે ભારત વધારે મેડલ જીતશે એવી આશા હતી પણ એ આશા ફળી નથી. ભારતે ટીમ ઈવેન્ટમાં ચોક્કસ સારો દેખાવ કર્યો પણ વ્યક્તિગત રમતોમાં વધારે મહેનતની જરૂર છે એ સ્પષ્ટ થઈ ગયું. ક્રિકેટ, કબડ્ડી, હોકી વગેરે રમતોમાં ચીન, જાપાન જેવા સુપર પાવર દેશોને બહુ રસ નથી તેનો ભારતને ફાયદો મળે છે, જાપાન સામેની ક્રિકેટ મેચ આપણે માંડ માંડ જીતી શકેલા ને તેના પરથી જ ખબર પડવી જોઈએ કે, ચીન, જાપાન વગેરે દેશો આ રમતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે તો ભારતે તેમાં પણ ભારે સ્પર્ધાનો સામનો કરવો પડે.
પહેલી એશિયન ગેમ્સ ૧૯૫૧માં ભારતમાં યોજાયેલી. ભારતે પહેલા એશિયાડમાં ૧૫ ગોલ્ડ મેડલ જીતેલા. પહેલી એશિયન ગેમ્સ કરતાં બહુ વધારે રમતો હવે એશિયન ગેમ્સમાં રમાય છે એ જોતાં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા સતત વધવી જોઈતી હતી પણ એવું થયું નથી. બીજી તરફ છેક ૧૯૮૨માં ચીન એશિયન ગેમ્સમાં પ્રવેશ્યું ને છવાઈ ગયું છે. ૧૯૮૦ પછી વિશ્વમાં સ્પોટ્‌ર્સની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડેલું. ચીન અત્યારે સ્પોટ્‌ર્સની દુનિયામાં પણ દાદો છે. ઓલિમ્પિક્સમાં પણ ચીન ટોપ થ્રી દેશોમાં હોય છે ત્યારે આપણે ટોપ ફિફ્‌ટીમાં પણ નથી હોતા એ જોતાં ભારતે સ્પોટ્‌ર્સ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.