ચલાલા-ગોપાલગ્રામ રોડ પર આવેલા ગુરુકુલ પાસે ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની ના પાડતાં ફોરેસ્ટરને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ધારીના વેકરીયાપરા ખાતે ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ફોરેસ્ટર શિવરાજભાઈ રામભાઈ ધાધલ (ઉ.વ.૪૨)એ ઝર ગામના અસીમભાઈ શાપભાઈ ઉર્ફે ગુલાબભાઈ લલીયા, તોસીફ લલીયા તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફોરેસ્ટર તેમની કાયદેસરની ફરજ પર હતા, તે સમયે આરોપીઓ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા હતા અને ગેરકાયદેસર સિંહ બતાવવા કહ્યું હતું. તેમણે સિંહ બતાવવાની ના પાડતાં આરોપીઓએ ઉગ્ર થઈને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી ગાળો આપી ગર્ભિત ધમકીઓ આપી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હાથની કલાઈ પર મૂઢ ઈજા પહોંચાડી હતી. આ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપભાઈ અમરૂભાઈ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































