ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ડોળાસાથી ઝાંઝરિયા ગામને જોડતો રોડ વર્ષોથી ન બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી રોડ બનાવવાની માંગ કરી હતી. આ રોડ બે ગામ ઉપરાંત આસપાસના ૮થી ૧૦ ગામોને જોડે છે. રોડ બનવાથી બે તાલુકા વચ્ચે અવરજવર સરળ બની શકે છે. રોડના અભાવે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ જિલ્લા પંચાયત, કલેક્ટર, ધારાસભ્ય અને મંત્રીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કામગીરી શરૂ થઈ નથી. જો તાત્કાલિક રોડનું કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.




































