બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે જલજીલણી એકાદશીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આગલા દિવસે ગામના ત્રણેય મંદિરના ઠાકરજીને ભક્તો સાથે દ્વારકા લઈ જવામાં આવ્યા હતા. મધુભાઈ માળવિયાના આયોજન હેઠળ ભક્તો ધૂન, ભજન અને કીર્તન ગાતા દ્વારકા પહોંચ્યા હતા. ગોમતી ઘાટે ઠાકરજીને મંગળા સ્નાન કરાવી ભક્તોએ પણ સ્નાન કર્યું હતું. ત્યારબાદ મંગળા આરતી કરી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ગમા પીપળીયા પરત ફર્યા બાદ ઠાકરજીને નદીમાં સ્નાન કરાવી શણગાર કરવામાં આવ્યો હતો. તબલા અને મંજીરાના તાલે ‘હરી આવો’ની ધૂન સાથે ઠાકરજીની ગામમાં ઘરે-ઘરે પધરામણી કરાઈ હતી. ભાવિકોએ આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહેશ બાપુ દેશાણી, ભાનુભાઈ પાનશેરીયા, મધુભાઈ માળવિયા સહિત ગ્રામજનો અને આસપાસના ગામોના ભક્તો જોડાયા હતા.






































