આ અઠવાડિયામાં બે એવા મહાપુરુષોનો જન્મ દિવસ છે જેમણે હિન્દુસ્તાનના ગામડાંઓની કાયાપલટ માટે અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મ દિવસ ૨ ઓક્ટોબરના રોજ છે. મહાત્મા ગાંધીનો ‘ગ્રામ સ્વરાજ’નો મંત્ર, લાલ બહાદુર શાસ્ત્રીનો ‘જય જવાન, જય કિસાન’નો સંદેશ અને વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ ‘વોકલ ફોર લોકલ’ તેમજ ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ આ ત્રણેય વિચારધારાને એકસાથે જોઈએ તો ભારતના વિકાસની એક
આભાર – નિહારીકા રવિયા સુંદર યાત્રા નજરે પડે છે. આ યાત્રાના કેન્દ્રમાં જો કોઈ એક શક્તિ અડીખમ ઊભી છે તો તે છે ભારતનો ખેડૂત અને ભારતનું ગામડું.
ગઈકાલનું ગામડું યાદ કરીએ તો આંખ સામે માટી-ગારાનું ઘર, ખેતરનો શેઢો, બળદની જોડી, કૂવામાંથી પાણી કોશ ખેંચતો ખેડૂત અને વહેલી સવારે સૂર્યોદય પહેલાં ખેતરે પહોંચી જતો પરિવાર દેખાય છે. સાધનો ઓછા હતા, સુવિધાઓ મર્યાદિત હતી, પરંતુ મહેનત અખૂટ હતી. ખેડૂત આકાશ સામે જોઈને વરસાદની રાહ જોતો અને પોતાના પરસેવાને પાણી બનાવીને ધરતીને જીવંત રાખતો. મહાત્મા ગાંધીજીએ આ જ ગામડાંમાં ભારતનું ભવિષ્ય જોયું હતું. તેમના માટે ગ્રામ સ્વરાજ એટલે માત્ર ગામનું શાસન નહીં, પરંતુ સ્વાવલંબી ગામડું જ્યાં સ્થાનિક ઉત્પાદન થાય, સ્થાનિક રોજગારી ઊભી થાય, શ્રમ અને મહેનતનું સન્માન થાય અને ગામ પોતાની જરૂરિયાતો માટે બીજા પર ઓછામાં ઓછું નિર્ભર રહે, એ વિચાર હતો.
ગાંધીજીનો આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. કારણ કે ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે અને ગામડાંનો ધબકાર ખેતરમાં સંભળાય છે. સમય આગળ વધ્યો છે અને સમય બદલાયો છે, દેશ અનેક પડકારો જોયા છે. ખાદ્યસંકટની કઠિન ઘડીમાં લાલ બહાદુર શાસ્ત્રીજીએ દેશને ‘જય જવાન, જય કિસાન’નો મંત્ર આપ્યો. સરહદ પર દેશની રક્ષા કરતા જવાન અને ખેતરમાં દેશનું પેટ ભરતા ખેડૂત બંનેને રાષ્ટ્રનિર્માણના સમાન સ્તંભ તરીકે ઓળખ આપવાનો આ સંદેશ હતો.
ત્યારબાદ કૃષિ સંશોધન, સિંચાઈ, સુધારેલાં બીજ, ખાતર અને ખેતીની નવી પદ્ધતિઓ સાથે ભારતીય કૃષિએ નવી દિશા પકડી. હરિયાળી ક્રાંતિએ ભારતની ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ગઈકાલનો ખેડૂત અછત સામે લડતો હતો; આજનો ખેડૂત ઉત્પાદન વધારવા સાથે બજાર અને ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યો છે. આજે ભારતની ખેતી માત્ર હળ અને બળદ સુધી સીમિત રહી નથી. ટ્રેક્ટર, ડ્રોન, સેટેલાઇટ આધારિત માહિતી, આધુનિક સિંચાઈ, જમીન પરીક્ષણ, કૃષિ યંત્રો, ડિજિટલ બજાર અને વૈજ્ઞાનિક ખેતી જેવા અનેક નવાં સાધનો ખેડૂત સુધી પહોંચી રહ્યાં છે. ખેડૂતને સીધી આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬,૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અને આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૦-૩૧ સુધી ચાલુ રાખવા માટે રૂ.૩.૧૫ લાખ કરોડની નાણાકીય જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
પરંતુ આવતીકાલની ખેતી માત્ર વધુ ઉત્પાદનની નહીં, વધુ મૂલ્યવર્ધન (Value Addition) ની ખેતી બનવાની જરૂરિયાત છે. મગફળી ઉગાડનાર ખેડૂત માત્ર મગફળી વેચે તેના બદલે તેમાંથી તેલ, ચીકી અને અન્ય ઉત્પાદનો બનાવે; દૂધ ઉત્પાદક માત્ર દૂધ વેચે તેના બદલે દહીં, ઘી, પનીર જેવાં ઉત્પાદનો સાથે જોડાય; ફળ અને શાકભાજી ઉત્પાદક મૂલ્યવર્ધન પ્રક્રિયા ઉદ્યોગ સાથે જોડાય તો ખેડૂતની મહેનતનું મૂલ્ય અનેકગણું વધી શકે.
આ દિશામાં ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે FPO (Farmer Producer Organizations) એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યાં છે. કેન્દ્ર સરકારની ૧૦,૦૦૦ FPOની યોજનામાં માર્ચ ૨૦૨૬ સુધી ૧૦,૦૦૦ FPO નોંધાઈ ચૂક્યાં છે. FPO દ્વારા ખેડૂતો માટે જરૂરી એકસાથે ખરીદી, ઉત્પાદન વેચાણની માહિતી, મૂલ્યવર્ધન અને બજાર જોડાણ જેવી પ્રવૃત્તિઓમાં તક મળે છે, એટલે જ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ દિશામાં આગળ વધી રહ્યા છે.
આવતીકાલનું ગામ એવું હોવું જોઈએ જ્યાં યુવાનને રોજગાર માટે ગામ છોડવું ન પડે, જ્યાં ખેતર માત્ર ખેતીનું સ્થળ નહીં પરંતુ મૂલ્યવર્ધન અને ઉદ્યોગનું કેન્દ્ર બને; જ્યાં પશુપાલન, બાગાયત, મધમાખી ઉછેર, કુદરતી ખેતી, ખાદ્ય પ્રક્રિયા અને ગ્રામ આધારિત નાના ઉદ્યોગો સાથે મળીને ગામની અર્થવ્યવસ્થા મજબૂત બને અને ગામડાંઓમાંથી સ્થળાંતર અટકે. આપણા ગામમાં બનેલી વસ્તુને આપણા ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશના બજાર સુધી પહોંચાડવી આ માત્ર વેપાર નથી; આ ગામડાંની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની દિશા છે અને આ દિશામાં ગામડાંઓએ આગળ વધવું પડશે, સરકારે આ દિશામાં વિચારવું પડશે; કારણ કે ગામડાંઓ ભાંગશે અને મહાનગરોમાં વસ્તીવધારો એ આગામી સમયમાં મોટી સમસ્યા બનશે. આજે જરૂર છે કે ખેડૂતને માત્ર સહાય મેળવનાર તરીકે નહીં, પરંતુ ઉત્પાદનથી બજાર સુધીની સમગ્ર સાંકળમાં ભાગીદાર તરીકે જોવામાં આવે. ખેડૂત ઉત્પાદક બને, ઉદ્યોગકાર બને, ઉદ્યોગસાહસિક બને અને પોતાના ઉત્પાદનની બ્રાન્ડ ઊભી કરે ત્યારે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ખેતરના ખોળેથી સાકાર થતો જોવા મળશે.
ગઈકાલનો ખેડૂત પરસેવાથી ભારતને જીવાડતો હતો. આજનો ખેડૂત પરસેવા સાથે જ્ઞાન-વિજ્ઞાન અપનાવી રહ્યો છે. અને આવતીકાલનો ખેડૂત વિજ્ઞાન, ખેડૂત સંગઠન, સહકાર, મૂલ્યવર્ધન અને બજારના બળથી ભારતની નવી ગ્રામ અર્થવ્યવસ્થાનો નિર્માતા બની શકે છે. ખેતરની માટી સાથે જોડાયેલો ખેડૂત માત્ર અન્ન પેદા કરતો નથી; તે દેશનું ભવિષ્ય ઉગાડે છે. ગામડું મજબૂત હશે તો ખેડૂત મજબૂત બનશે, ખેડૂત મજબૂત બનશે તો કૃષિ અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને કૃષિ મજબૂત બનશે તો આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન વધુ મજબૂત બનશે. ગાંધીજીનું ગ્રામ સ્વરાજ, શાસ્ત્રીજીનો ‘જય જવાન, જય કિસાન’નો મંત્ર અને આજના આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આ ત્રણેય આપણને એક જ વાત કહે છેઃ ગામને ભૂલીને ભારતનો વિકાસ શક્ય નથી અને ખેડૂતને મજબૂત કર્યા વિના ભારત આત્મનિર્ભર બની શકે નહીં.
આથી હવે સમય છે ખેતરથી બજાર સુધી, ગામથી વિશ્વ સુધી અને ખેડૂતની મહેનતથી આત્મનિર્ભર ભારત સુધીની નવી યાત્રાનો! આવતી ૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા અને ગ્રામસ્વરાજના સ્વપ્નદ્રષ્ટા પૂજ્ય મહાત્મા ગાંધી અને સાદગી સાથે જીવન જીવીજનાર લોકપ્રિય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી છે, ત્યારે દેશનો ખેડૂત સમાજ અને ગ્રામીણ જીવન ક્યારેય તેઓને ભૂલી શકે નહીં.

: તિખારો :
દૂધ, દહીં, ઘી, છાશ, માખણ બધા એક જ કુળના હોવા છતાં દરેકની કિંમત અલગ-અલગ હોય છે; કેમ કે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કામ, કર્મ, કળા અને ગુણોથી જ પ્રાપ્ત થાય છે.