તોરી ગામે આજે આંગણ મિલન ઉત્સવ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સગર્ભા માતાઓ, કિશોરીઓ અને બાળકોના પોષણ તથા આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો અને સરકારની પોષણલક્ષી સેવાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ કોટડીયા, સભ્યો વિપુલભાઈ ડાંગર, કિશોરભાઈ વાળા, પોસ્ટ ઓફિસના જીડીએસ અંકિતભાઈ તળાવીયા, એફએચડબલ્યુ અસ્મિતાબેન, આઈસીડીએસ સુપરવાઇઝર સુનિતાબેન માલણકિયા, આશા બહેનો, આંગણવાડી વર્કર-હેલ્પર બહેનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કિશોરીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આંગણવાડીના લાભો, પોષણયુક્ત આહાર અને રમતગમતની કીટનું પ્રદર્શન યોજાયું હતું. બાળકોના વૃદ્ધિ અને વિકાસ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું હતું. બાળકો તથા મહેમાનોને સુખડી અને ફળનું વિતરણ કરાયું હતું. સરપંચે વર્કર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરાવ્યો હતો.