ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં એક દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હતું. આ ઘટના ખાંભાથી ઉના તરફ જતા માર્ગ પર ખડાધાર ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતાં RFO સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. દીપડાને અડફેટે લેનારા અજાણ્યા વાહનચાલકને શોધવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી છે. ખાંભા, ધોકડવા સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી અકસ્માત કરનાર વાહન કે તેના ચાલક અંગે કોઈ મહત્વની કડી મળી નથી. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








































