બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ કાળુભાઈ સતાસીયાએ ખેતીવાડી શાખાના વિસ્તારણ અધિકારી ખેતીને પત્ર પાઠવી કામગીરી અંગે ખુલાસો માંગ્યો છે. રાષ્ટ્રીય મિશન ખાદ્યતેલ અને તેલીબીયાં અંતર્ગત ડેરી પીપરીયા ગામે યોજાયેલા ખેડૂત તાલીમ કાર્યક્રમની તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્યોને કોઈ આગોતરી જાણ કે આમંત્રણ અપાયું ન હોવાનો આક્ષેપ કરાયો છે. સરકારી કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓની અવગણના અંગે પ્રમુખે રોષ વ્યક્ત કરી એક દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત તાલુકાના અન્ય ગામોમાં યોજાયેલા આવા કાર્યક્રમોની વિગતો, કેટલા ખેડૂતોએ બીયારણ ખરીદ્યું, કોને કયા પ્રકારનું બીયારણ અપાયું અને કેટલા ખેડૂતોના ખેતરની રૂબરૂ મુલાકાત લેવાઈ તેની માહિતી પણ આધાર-પુરાવા સાથે માંગવામાં આવી છે. ખેતીવાડી વિભાગ પાસે તમામ રેકોર્ડ રજૂ કરવા કડક સૂચના અપાઈ છે.










































