પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના અંદાજીત ૧૩૫ જેટલા વૃધ્ધાશ્રમોમાં વસ્ત્રદાન સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સેવા કાર્યમાં જોડાયા હતા. અમરેલી ખાતે આવેલ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમના તપસ્વી ભાઈઓને ઝભ્ભા અને બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ મુકેશભાઈ સંધાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રવિભાઈ ખેર અને સંસ્થાના સભ્ય ઋજુલભાઈ ગોડલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ માનવતાભર્યા કાર્ય બદલ સારહિ પરિવાર દ્વારા ટ્રસ્ટનો આભાર માનવામાં આવ્યો હતો.










































