સાવરકુંડલામાં પર્યુષણ મહાપર્વની અંતિમ અને મહત્વપૂર્ણ આરાધના એવા સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ જૈન સંઘોમાં શ્રાવક-શ્રાવિકાઓએ સંવત્સરી પ્રતિક્રમણ કરી આત્મચિંતન અને પ્રાયશ્ચિત્ત સાથે ક્ષમાધર્મની આરાધના કરી હતી. દેરાવાસી જૈન સંઘ ખાતે સાધ્વીજી મહારાજ તત્વદર્શિતાશ્રીજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંવત્સરી પ્રતિક્રમણ યોજાયું હતું. જ્યારે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે મહાસતીજી વિશાખાબાઈ સ્વામીજીના સાનિધ્યમાં સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકાગચ્છ જૈન સંઘ તેમજ જૈન ર્બોડિંગ ખાતે પણ સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ યોજાયું હતું. પ્રતિક્રમણ બાદ સૌએ પરસ્પર ‘મિચ્છામિ દુક્કડમ’ પાઠવી એકબીજા પ્રત્યે થયેલી જાણ-અજાણની ભૂલો બદલ ક્ષમાયાચના કરી હતી. સાવરકુંડલામાં આ વર્ષે કુલ ૧૧ અઠ્ઠાઈ તપની આરાધના થઈ હતી. જેમાં ર્બોડિંગના નવ વિદ્યાર્થીઓ તેમજ દેરાવાસી જૈન સંઘના બે આરાધકોએ અઠ્ઠાઈ તપની કઠિન આરાધના કરી હતી.






































