ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણાજ ગામમાં જેટકોની વીજલાઈન માટે થયેલા સર્વે અંગે ખેડૂતોના હિતમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને લેખિત રજૂઆત કરી છે. તેમણે હાલના સર્વેનો પુનઃસર્વે કરાવી વૈકલ્પિક માર્ગ નક્કી કરવાની માંગ કરી છે. રજૂઆત મુજબ વીજલાઈન માટે નક્કી કરાયેલ માર્ગ ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીનમાંથી પસાર થાય છે. ખેતીની જમીન અનેક નાના અને મધ્યમ ખેડૂતોના જીવનનિર્વાહનો મુખ્ય આધાર હોવાથી વીજલાઈન પસાર થવાથી ખેતીની કામગીરી, જમીનના ઉપયોગ અને ભવિષ્યની આવકને નુકસાન થવાની શક્યતા છે. વિકાસકાર્યો સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ પણ જરૂરી હોવાનું જણાવાયું છે. ઈણાજ અને આસપાસની બિનખેતીલાયક, પડતર અથવા ઉપલબ્ધ સરકારી જમીનનો સર્વે કરીને ત્યાંથી વીજલાઈન પસાર કરવાનો વિકલ્પ શોધવા માંગ કરાઈ છે. ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી રહે અને વીજ માળખાકીય કામગીરી પણ સુચારુ રીતે આગળ વધે તે રીતે નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે.










































