ધારીના હિમખીમડીપરામાં બે પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. રેખાબેન દિનેશભાઈ કણજરીયા (ઉ.વ.૫૦)એ રોહિતભાઈ હસુભાઈ દેત્રુજા, દયાબેન ઉર્ફે દીદી આશિષભાઈ દેત્રુજા, ગૌતમભાઈ હિંમતભાઈ અઘેરા, સંજયભાઈ હિંમતભાઈ અઘેરા તથા મનસુખભાઈ માંડવિયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ સાહેદ અજયભાઈ વાલજીભાઈ કણજરીયા તેમના ઘરની બહાર ઊભા હતા ત્યારે આરોપીઓએ આવીને જેમફાવે તેમ ગાળો આપી કહ્યું કે, “તારો ભત્રીજો મારી ભાણકીને ભગાડી ગયેલ હોય તેને કહેજે ગમે ત્યાંથી મારી ભાણકીને પાછી મૂકી જાય નહીંતર હું તેને પતાવી દઈશ.” આમ કહેતા તેમણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો તો બંનેએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.ત્યાર બાદ આરોપીઓએ આવીને સાહેદ અજયભાઈ વાલજીભાઈ કણજરીયાને ગાળો આપી કહ્યું કે, “અમારી ભાણકીને ગમે ત્યાંથી પાછી મૂકી જજો નહીંતર તમને બધાને પતાવી દઈશું.” આમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ દયાબેન ઉર્ફે દીદી આશિષભાઈ દેત્રોજા (ઉ.વ.૨૯)એ અજયભાઈ વાલજીભાઈ કણજરીયા, આરતીબેન અજયભાઈ કણજરીયા, રેખાબેન દિનેશભાઈ કણજરીયા તથા જયંતીભાઈ ડાયાભાઈ કણજરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાના ઘરે હતા તે વખતે આરોપીઓ તેમના ઘર સામે ઊભા હતા. તેમની ભાણેજ પ્રિયંકાને આરોપી અજયભાઈનો ભત્રીજો વિશાલ કણજરીયા થોડા દિવસ પહેલા ભગાડી ગયો હોય તેને શોધી આપવાનું કહેતા આરોપી અજયભાઈએ કહ્યું કે, “તારે આ પંચાયત નહીં કરવાની અને જો તું આ મેટરમાં ક્યાંય પડી તો તને જીવતી નહીં રહેવા દઈએ.” આમ કહી તેમને ગાળો આપી હતી. ઉપરાંત વાળ પકડીને માથાના ભાગે ઢીકાઓ મારી મૂંઢ ઈજા કરી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































