ગીર સોમનાથના ઊના તાલુકાના સામતેર ગામના મેઘનાથી પરિવારે સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. વિનોદગીરી મેઘનાથીના નાની વયે અવસાન બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્‌યો હતો. પરંતુ માતા દક્ષાબેને હિમ્મત હાર્યા વિના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપી ડોક્ટર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. માતાના આ સ્વપ્નને સાર્થક કરતાં ઓમકારગીરીએ હિંમતનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે ઉમાબેન અમદાવાદની એમ. કે. શાહ મેડિકલ કોલેજમાં MBBS ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ દેવાંશીબેને BAMS નો અભ્યાસ પૂર્ણ કરી સામતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટર્નશીપ શરૂ કરી છે. માતા દક્ષાબેને આ સફળતાનો શ્રેય પોતાના દિયર હિતેન્દ્રગીરીને આપ્યો છે, જેમણે સંતાનોને પિતાની ખોટ ચાલવા દીધી નથી. દશનામ ગોસ્વામી સમાજ અને ગ્રામજનોએ મેઘનાથી પરિવારની આ સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી છે.