ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો સાવરકુંડલામાં પર્દાફાશ થયો હતો. એક મહિલા સાથે રૂ. ૧૦ લાખની ઠગાઈ આચરવા બદલ એપ્લિકેશન માલિક સહિત સુરતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે વનિતાબેન મનુભાઈ મારુ (ઉં.વ.૩૩)એ SD Pay/Apna Pay એપ્લિકેશનના માલિક ધવલ પટેલ, આશિષભાઈ ગેડીયા, ભાવેશભાઈ ચૌહાણ તથા એપ્લિકેશનના પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો, એજન્ટો અને અન્ય અજાણ્યા સહયોગીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલાને ઊંચા વળતરની લાલચ આપી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી લોકો પાસેથી થાપણો મેળવી ગેરકાયદેસર નાણાકીય યોજના ચલાવી હતી. આરોપીઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવી દર મહિને ૯ ટકા કેશબેક તેમજ અન્ય આકર્ષક લાભ આપવાની ખાતરી આપી હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતવા શરૂઆતના તબક્કામાં કેટલાક લોકોને નિયમિત કેશબેક ચૂકવ્યું હતું, જેથી પ્રભાવિત થઈને મહિલા સહિત અન્ય લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.મહિલા પાસેથી કુલ રૂ. ૧૦ લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ એપ્લિકેશનની સેવાઓ અચાનક બંધ કરી દીધી હતી. વધુમાં, મામલો દબાવવા એપ્લિકેશનનું નામ ‘SD Pay’થી બદલીને ‘Apna Pay’ કરી નાખ્યું હતું અને રોકાણકારોની મુદ્દલ રકમ પણ પરત કરી નહોતી. આખરે પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એલ. ખટાણા વધુ તપાસ કરી રહ્યા છે.









































