આ વખતે, ભારત મોટી ટુકડી સાથે એશિયન ગેમ્સના તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. રમતગમત મંત્રાલયે જાપાનના આઈચી-નાગોયામાં ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી ૨૦મી એશિયન ગેમ્સ માટે ૭૬૮ સભ્યોની ભારતીય ટુકડીને મંજૂરી આપી હતી. તેમાં ૫૦૩ એથ્લેટ્સ, ૨૪૬ અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે.રમત મંત્રાલયે શરૂઆતમાં ૪૯૨ એથ્લેટ્સના નામોને મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં વધારાના નામો ઉમેર્યા હતા, મુખ્યત્વે એથ્લેટિક્સ ટીમ માટે. નવી મંજૂરી બાદ, ભારતીય ટુકડીમાં ૨૬૯ પુરુષ અને ૨૩૪ મહિલા એથ્લેટ્સનો સમાવેશ થાય છે. એથ્લેટ્સ ઉપરાંત, ૨૪૬ અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફની એક ટીમ તેમની સાથે જાપાન જશે.અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફમાં ૨૩ ચીફ/ડેપ્યુટી ચીફ કોચ અને ૧૫૦ કોચનો સમાવેશ થાય છે. મેડિકલ સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિકો, મસાજ થેરાપિસ્ટ, મેનેજર અને ટેકનિકલ સ્ટાફ પણ ટુકડીનો ભાગ છે. કન્ટજન્ટ સ્ટાફમાં શેફ ડી મિશન સહદેવ યાદવ અને ચીફ મેડિકલ ઓફિસર ડા. દિનશા પારડીવાલાનો પણ સમાવેશ થાય છે.
એથ્લેટિક્સ ટુકડી ૭૯ સભ્યો સાથે ભારતની સૌથી મોટી ટુકડીમાંની એક હશે અને ૩૧ સભ્યોનો સૌથી મોટો સપોર્ટ સ્ટાફ હશે. આમાં રાષ્ટ્રીય કોચ પી. રાધાકૃષ્ણન દ્વારા નેતૃત્વ હેઠળ ૨૦ કોચનો સમાવેશ થાય છે. જાકે, ભારત સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાને ચૂકી જશે. ઈજાને કારણે તે આ એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.ભારતીય પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો ભાગ લેશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણના નેતૃત્વમાં બંને ટીમો માટે કુલ ૨૦ સભ્યોના સપોર્ટ સ્ટાફને મંજૂરી આપવામાં આવી છે. ભારત એશિયન ગેમ્સમાં કુલ ૩૬ રમતોમાં ભાગ લેશે. ૨૦૨૬ એશિયન ગેમ્સ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૪ ઓક્ટોબર સુધી ચાલશે. ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ભારત ચોથા સ્થાને રહ્યું. ભારતે ૨૮ ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૦૬ મેડલ જીત્યા. ભારતે ૩૮ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા. ભારતીય ખેલાડીઓ આ વખતે પણ મેડલ ટેબલમાં દેશનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયત્નશીલ રહેશે.














































