બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પંચાલને ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઢસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અનીડા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂ.૫૫.૭૭ લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યા બાદ પીઆઇ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદે હેરાફેરી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમે અનીડા ગામની સીમમાં દરોડો પાડતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન દારૂ સહિત કુલ રૂ.૫૫.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનની હદમાં જીસ્ઝ્ર દ્વારા આટલી મોટી કિંમતનો દારૂનો જથ્થો ઝડપાતા ઢસા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી તરીકે પીઆઇ એમ.ડી. પંચાલની ફરજ દરમિયાન થયેલી કામગીરી અંગે પણ તપાસ કરવામાં આવી હતી. એસએમસીની કાર્યવાહી બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પીઆઇ એમ.ડી. પંચાલ સામે પગલાં લેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સસ્પેન્શન દરમિયાન તેમને રાજકોટ હેડક્વાર્ટર ખાતે મુકવામાં આવ્યા છે.
પીઆઇ એમ.ડી. પંચાલના સસ્પેન્શન બાદ ઢસા પોલીસ સ્ટેશનની કામગીરી માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.પીઆઇ કે.એન. ચોપરા રજા પરથી પરત ન ફરે ત્યાં સુધી ઢસા તેમજ ગઢડા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ વી.એલ. સાકરીયાને સોંપવામાં આવ્યો છે.
અનીડા ગામની સીમમાંથી એસએમસી દ્વારા ઝડપાયેલા રૂ.૫૫.૭૭ લાખના દારૂના મુદ્દામાલની કાર્યવાહી બાદ ઢસા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે થયેલું સસ્પેન્શન બોટાદ જિલ્લા પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ સંબંધિત વિગતો પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.