અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાવડી – ચોકી – સનાળા-લાખાપાદર – ઈશ્વરીયા રોડ પર માર્ગ સલામતી, વરસાદી પાણીના નિકાલ તેમજ વાહન વ્યવહારને વધુ સરળ અને સુગમ બનાવવા માટે અંદાજિત રૂ.૧.૮૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામોને મંજૂરી મળતા આસપાસના અનેક ગામોના લોકોને સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.અમરેલી વિધાનસભા મતવિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપતા રાજ્યમંત્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ વાવડી-ચોકી-સનાળા-લાખાપાદર-ઈશ્વરીયા રોડ અંગે રજૂઆત કરી હતી. તેમની રજૂઆતના પરિણામે હવે આ મહત્વપૂર્ણ માર્ગ પર જરૂરી વિકાસ કામો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થાય તેમજ વાહનચાલકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગ મળી રહે તે દિશામાં કામ કરવામાં આવશે.સદર રોડ પર અંદાજિત રૂ.૧.૩૦ કરોડના ખર્ચે સ્લેબ અને પાઇપ ડ્રેઇન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. સાથે જ માર્ગની સલામતી અને ટકાઉપણામાં પણ વધારો થશે. આ કામ પૂર્ણ થયા બાદ વાવડી, ચોકી, સનાળા, લાખાપાદર અને ઈશ્વરીયા સહિતના ગામોના લોકોને વરસાદી પાણીના નિકાલ તેમજ માર્ગ વ્યવહારમાં નોંધપાત્ર સુવિધા મળશે.આ ઉપરાંત સદર રોડ પર આવેલા સનાળા ગામતળ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે. અંદાજિત રૂ.૫૦ લાખના ખર્ચે થનારા આ કામથી ગામતળ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સરળ અને સુવિધાજનક બનશે. સનાળા ગામતળ વિસ્તારમાં આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.બંને વિકાસલક્ષી કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર માર્ગ પર વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનવાની સાથે વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં પણ સુધારો થશે. કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, અમરેલી વિધાનસભા મતવિસ્તારના દરેક ગામ અને દરેક વિસ્તાર સુધી ગુણવત્તાસભર માર્ગ અને પાયાની સુવિધાઓ પહોંચાડવી તેમની પ્રાથમિકતા છે. સ્થાનિક નાગરિકોની જરૂરિયાતો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને વિકાસ કામોને મંજૂરી અપાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વાવડીથી ઈશ્વરીયા સુધીના માર્ગના આ વિકાસ કામોથી અનેક ગામોના નાગરિકોને સીધો લાભ મળશે અને સમગ્ર માર્ગ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.