ક્રિકેટ જગતમાં ડોપિંગ સંબંધિત વધુ એક કેસ સામે આવ્યો છે.યુએઈ ના અનુભવી બેટ્‌સમેન આસિફ ખાન પર પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાના દોષી સાબિત થયા બાદ ૧૫ મહિના માટે ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આઇસીસી એન્ટી-ડોપિંગ કોડના ઉલ્લંઘનની કબૂલાત કર્યા પછી, આસિફે વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ સાથે કેસ રિઝોલ્યુશન કરાર હેઠળ સજા સ્વીકારી.
૩૬ વર્ષીય આસિફ ખાનના નમૂનામાં મેસ્ટેરોલોનનું મેટાબોલિટ જોવા મળ્યું હતું. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલા તેના સ્પર્ધા બહારના પરીક્ષણમાં પ્રતિબંધિત પદાર્થની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ આસિફે આઇસીસી એન્ટી-ડોપિંગ કોડની કલમ ૨.૧ નું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકાર્યું. આસિફ પર લાદવામાં આવેલ ૧૫ મહિનાનો પ્રતિબંધ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી અમલમાં છે અને ૭ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. જા કે, તે ૮ ઓક્ટોબર, ૨૦૨૬ થી ટીમ સાથે તાલીમ લઈ શકશે અને ક્લબ અથવા અન્ય આઇસીસી સભ્ય સંગઠનોની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેની વાપસી ફક્ત ૮ ડિસેમ્બર, ૨૦૨૬ થી જ શક્ય બનશે.
આઇસીસીના નિયમો અનુસાર, ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ તેના કામચલાઉ પ્રતિબંધની શરૂઆત સુધી, આસિફના વ્યક્તિગત પરિણામો પણ રદ કરવામાં આવ્યા છે. આ કારણે, આ સમયગાળા દરમિયાન મળેલા કોઈપણ મેડલ, પોઈન્ટ, ઈનામની રકમ અથવા અન્ય પુરસ્કારો પરનો તેમનો દાવો જપ્ત થઈ જશે. કેસ રિઝોલ્યુશન એગ્રીમેન્ટ હેઠળ આ નિર્ણય સામે અપીલ કરવાનો કોઈ અધિકાર નથી.
નોંધનીય છે કે આસિફ ખાને ૨૦૨૨ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે યુએઈ માટે ૩૮ વનડે અને ૫૬ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેના સસ્પેન્શનથી યુએઈ ક્રિકેટને ફટકો પડ્યો છે, કારણ કે તે ટીમના અનુભવી ખેલાડીઓમાંનો એક છે. હવે આસિફ તેની સજા પૂર્ણ કર્યા પછી મેદાનમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે, પરંતુ ત્યાં સુધી યુએ ટીમે તેના વિના ભવિષ્યની યોજનાઓ બનાવવી પડશે. તાજેતરમાં,આઇસીસીએ એક ખેલાડી પર ૮ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.