ઈયળ અવસ્થાઃ • આ ઈયળની પ્રથમ અને દ્રીતીય અવસ્થા સફેદ રંગની હોય છે ત્યારબાદ ઈયળનો વિકાસ થતાં તે ગુલાબી રંગની થતી જાય છે.
• પુખ્ત ઈયળનું માથું ઘાટા બદામી રંગનું અને કઠણ ઢાલ જેવુ હોય છે. પુખ્ત ઈયળ બે પ્રકારની જીવનકાળની અવસ્થાઓમાંથી પસાર થાય છે. એક ટૂંકી ઈયળ અવસ્થા પસાર કરી કોશેટોમાં રૂપાંતરીત થઈ જવું અને બીજું લાંબી ઈયળ અવસ્થા પસાર કરીને સુષુપ્તાવસ્થામાં પ્રવેશવું. ટૂંકી ઈયળ અવસ્થા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે, જ્યારે લાંબી ઈયળ અવસ્થા મુખ્યત્વે ઉતર અને મધ્ય ભારતમાં જોવા મળે છે.
• ઈયળ તેના લગભગ ૧૩ થી ૧૮ દિવસના જીવનકાળ દરમ્યાન જીંડવાને નુકશાન કરી કોશેટામાં રૂપાંતર થાય છે.
• પાક પૂરો થયા બાદ ઈયળ સુષુપ્ત અવસ્થામાં ૮ થી ૧૨ મહિના સુધી અને ક્યારેક ૨ વર્ષ સુધી જમીનમાં નુકશાન પામેલ જીંડવામાં રહે છે.
કોશેટો અવસ્થાઃ
• પુખ્ત ઈયળ, ખરી પડેલા જીંડવા કે નુકશાન વાળા જીંડવામાં રહેલ નુકસાનીત બે બીજ વચ્ચે પોતાનો કોશેટો બનાવે છે.
• કોશેટા અવસ્થા રેશાના કવચમાં જોવા મળે છે. કોશેટા કદમાં ૭ મીમી લાંબા હોય છે.
• આ જીવાતના કોશેટા શરૂઆતમાં ભૂખરા રંગના અને ત્યારબાદ ઘાટા ભૂખરા રંગનો કોશેટો થઈ તેમાં કોશેટો બનાવે છે અને તેમાંથી લગભગ ૬ થી ૨૦ દિવસમાં ગુલાબી ઈયળનું પુખ્ત કીટક બહાર આવે છે.
પુખ્ત અવસ્થાઃ
• આ જીવાતનું પુખ્ત ઘાટા બદામી રંગની હોય છે અને તેની આગળની પાંખો પર કાળા ટપકાં હોય છે જ્યારે પાછળની પાંખોની ધાર પર વાળની ઝાલર આવેલી હોય છે.
• આ ફૂદાંનું જીવનચક્ર ૧૫ થી ૨૦ દિવસમાં પૂર્ણ કરે છે. આ જીવાતની ૫ થી ૬ પેઢીઓ વર્ષ દરમ્યાન જોવા મળે છે.
• પાક પૂરો થવાના સમયે લાંબા જીવનકાળની ઈયળ અવસ્થાની છેલ્લી પેઢીની ઈયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને ક્યારેક ૨ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. પાકની અવધી દરમ્યાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઈયળની સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણનું તાપમાન અને ભેજનાં ટકા ઉપર આધારીત છે.
• સુષુપ્ત અવસ્થામાં પડેલ કોશેટામાંથી ચોમાસા (મે-જૂન) દરમ્યાન પુખ્ત ફૂદાં બહાર આવે છે. આ ફૂદાં મોટા ભાગે આ સમય દરમ્યાન ઈંડા મૂકતા નથી, તેથી તેને “આત્મઘાતી પેઢી” તરીકે ઓળખાય છે અને ત્યાર બાદ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં નીકળેલ ફૂદાં એ મુકેલ ઈંડામાંથી નીકળેલ ઈયળો નુકશાન કારક હોય છે.
• આમ, આ જીવાતનું જીવનચક્ર ૨૦ થી ૭૦ દિવસમાં પૂર્ણ થાય છે તેમ છતાં જ્યારેતે સુષુપ્ત અવસ્થામાં જાય છે ત્યારે તેનું જીવનચક્ર ૧૧ થી ૧૨ મહિના સુધી પણ જોવા મળે છે.
•ગુલાબી ઇયળ દ્વારા થતું નુકશાનઃ
• સામાન્ય રીતે છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય છે, ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ જઈ ગુલાબના ફૂલ જેવા આકારમાં (રોસેટ) ફેરવાઈ જાય છે.
• ઇંડામાંથી નીકળેલ ઇયળ બારીક સફેદ વાળ જેવી હોય છે. ઈંડા માંથી નીકળી ઇયળ નાનું કાણું પાડી ફુલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. સમય જતા ઇયળે પાડેલ કાણું કુદરતી રીતે પુરાઇ જાય છે. ઇયળથી નુકશાન પામેલ ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી અને ફુલ ખરી પડે છે.
• ઇયળ જીંડવાની અંદર દાખલ થઇને રૂ તેમજ બીજને નુકશાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઇયળ એક જ જીંડવામાં જોવા મળે છે તેમજ ઉપદ્રવિત જીંડવા નાના રહી જાય છે, જીંડવામાં રહેલ બીજની સ્ફુરણશક્તિ, તેલના ટકા તેમજ તેની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે અને ગુણવતા પર માઠી અસર જોવા મળે છે. પરીણામે જીનીંગમાં પણ ઘટાડો જોવા મળે છે.
• સામાન્ય રીતે ગુલાબી ઇયળ દ્વારા થતું નુકશાન નરી આંખે જોતા ખ્યાલ આવતો નથી. જો ખેતરમાં જીંડવા બેડોળ થઈ ગયેલા જણાય તો એવું કહી શકાય કે ખેતરમાં ગુલાબી ઈયળની હાજરી છે.