વેસ્ટ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય સ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મરીન કમાન્ડોની ટીમોએ રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, માધાપર ભુંગા અને જાડિયા ભુંગા સહિતના વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. દરિયાકાંઠા નજીક શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ અને બોટ સહિતની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર હેરાફેરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની સંભવિત પ્રવૃત્તિઓને રોકવા માટે તપાસ કરવામાં આવી હતી. ફિશ લેન્ડીગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક એકમો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સુરક્ષા તપાસ હાથ ધરાઈ હતી.આ સમગ્ર કામગીરી એટીએસ અને કોસ્ટલ સિક્્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સના ડીઆઈજી એ.એમ. મુનિયા, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર અને ડીવાયએસપી કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ ટીમોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ અને પીએસઆઈ જી.એમ. બોપલિયા સહિત મરીન કમાન્ડોની ટીમો આ કામગીરીમાં જાડાઈ હતી.પેટ્રોલિંગ દરમિયાન મરીન ટીમોએ માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે વાતચીત કરી હતી. અજાણી બોટ, અજાણી વ્યક્તિ અથવા કોઈપણ શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી.જામનગરનો દરિયાકાંઠો બંદરો, જેટીઓ અને વિવિધ ઔદ્યોગિક તથા વ્યૂહાત્મક સ્થળોને કારણે સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. તેથી નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત આવા વિશેષ ચેકિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સતત દેખરેખ યથાવત્ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો અને લોકોના સહયોગથી દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.











































