સુપ્રીમ કોર્ટે સોમવારે આમ આદમી પાર્ટી (આપ) નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ બાલિયાનની જામીન અરજી પર દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો. આ કેસ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. જÂસ્ટસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દિલ્હી હાઇકોર્ટના જામીન નકારવાના નિર્ણયને પડકારતી બાલિયાનની અરજી પર નોટિસ ફટકારી હતી.દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ બાલિયાનની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ફરાર ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ દ્વારા સંચાલિત કથિત સંગઠિત ગુના સિન્ડિકેટ સાથે સંબંધ હોવાનો આરોપ છે. ફરિયાદ પક્ષ અનુસાર, બાલિયાને કથિત રીતે સાંગવાનના સિન્ડિકેટ માટે “સુવિધાકર્તા” તરીકે કામ કર્યું હતું. તેના પર ખંડણી માટે વ્યક્તિઓની ઓળખ કરવાનો, ખોટા મિલકત કરારો પર વાટાઘાટો કરવાનો અને વધુ પડતા ભાવે મિલકતો વેચવા માટે દબાણ કરવાના કાવતરામાં સામેલ થવાનો આરોપ છે.
૩ ઓગસ્ટના રોજ, દિલ્હી હાઈકોર્ટે બાલિયાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતમાં બાલિયાન અને કથિત ગુના સિન્ડિકેટ વચ્ચે પ્રથમ દૃષ્ટિએ જાડાણ હોવાનું બહાર આવ્યું છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે એમસીઓસીએ જેવા ખાસ કાયદા હેઠળ ગંભીર ગુનાઓના કેસોમાં જામીન આપવા માટે ફક્ત લાંબી કેદ નિર્ણાયક આધાર હોઈ શકે નહીં. માર્ચની શરૂઆતમાં, બીજી હાઈકોર્ટની બેન્ચે બાલિયાન સામે તપાસમાં વિલંબ માટે દિલ્હી પોલીસને ઠપકો આપ્યો હતો. કોર્ટે પોલીસને તપાસ ઝડપી બનાવવા અને તપાસ માટે સમયમર્યાદા રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.બાલિયાન સતત તેની સામેના આરોપોને નકારી કાઢે છે. તેનો દાવો છે કે એમસીઓસીએ લાદવો કાયદાનો દુરુપયોગ અને રાજકીય બદલો લેવાનું કૃત્ય છે. ૩૧ જુલાઈના રોજ, દિલ્હીની એક કોર્ટે પુરાવાના અભાવે બાલિયાન સામે એક અલગ ખંડણીનો કેસ બંધ કરી દીધો હતો.