શિવના સાક્ષાત્કારની સૌથી મહત્વની મજા એ છે કે શિવ શાંતરસની મૂર્તિ છે. શાંત રસે જાણે કે સાક્ષાત દેહ ધારણ કર્યો હોય એવા શિવના દર્શન છે. મહાકવિ કાલિદાસે કુમાર સંભવમ્ મહાકાવ્યમાં દેવાધિદેવનું એ વર્ણન કરેલું છે. સમગ્ર ભારતવર્ષ પર ભગવાન ભોળાનાથની નજર છે. કૈલાસ પર્વત પર શિવ અને પાર્વતી અખંડ હરિ કથા અને સત્સંગ કરે છે. શિવ-પાર્વતીના દાંપત્યની આધારશીલા અધ્યાત્મ છે, જે દંપતીના ગૃહસ્થ જીવનના કેન્દ્રમાં ધર્મતત્વ હોય એ આખો પરિવાર આ જગતમાં નિરંતર પૂજાય છે. પાર્વતી હિમાલયનાં પુત્રી છે અને પરમતત્વની ઉપાસનામાં એમનો આત્મા સદાય પરોવાયેલો રહે છે. શિવ કહે છે કે હે પાર્વતી, પરમતત્વનું સ્મરણ એ જ સંસારમાં અવિચલ એકમાત્ર તત્વ છે, બાકી બધાનો વિનાશ નિશ્ચિત છે. ઉમા અનુભવ મૈં કહુ અપના, સત હરિ ભજન, જગત સબ સપના….!
જે દેખાય છે સામે એ બધું જ છે તો ખરું, પરંતુ કાળની કેડીએ બધું જ વિચલિત છે. એ સતત પરિવર્તનશીલ છે. દેખાય નહીં એ રીતે સમય એટલે કે કાળદેવતા બધું જ ગળી જાય છે. શિવ કહે છે કે હે પર્વતાધિરાજ હિમાલયનાં પુત્રી, હું આપને ખરું સત્ય બતાવું છું કે આ જગતમાં જે કંઈ દેખાય છે તે માત્ર સ્વપ્ન છે. સત્ય તો એકમાત્ર પરમત¥વની આરાધના છે.
સમગ્ર ભારત વર્ષમાં શિવની ઉપાસનાનો મહિમા છે. શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ સળંગ દિનરાત શિવ પૂજન માટે ભારતીય ઋષિઓએ ફાળવેલા છે. આપણા પંચાંગમાં શ્રાવણ મહિનો શિવ ઉપાસનાનો સમય છે. ચાતુર્માસના બીજા ચરણમાં શ્રાવણ આવે છે. શ્રાવણમાં આકાશ ઝરમર વરસતું રહે છે. શિવલિંગ પર આપણે જે રીતે અભિષેક કરીએ છીએ એવી રીતે મેઘ આ મહિનામાં કંકર એટલા શંકર માનીને જળનો પૃથ્વી પર અભિષેક કરે છે. રાજાઓનો રાજા મેઘરાજા છે. મેઘરાજા શિવનો પરમ ઉપાસક છે. શ્રાવણ મહિનામાં પૃથ્વી પરના સર્વ પાષાણમાં એને શિવ ત¥વનો અનુભવ થાય છે. એટલે ઝરમર મેઘ વરસતો રહે છે. ભારતીય પ્રજા માટે હજારો વર્ષોથી શિવ પરિવાર પૂજાય છે. કારણ કે ભારતીય ગૃહસ્થ અને વૈરાગી એમ બંને જીવનનો આધાર તથા આદર્શ શિવ પંચાયતન છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યાં સુધી જીવ, શિવ સન્મુખ ન હોય ત્યાં સુધી એને લોભ, મોહ, માયા, અભિમાન, શોક, ધન અને ક્લેશ સતાવે છે. એકવાર જીવ જો શિવની સન્મુખ આવે તો પછી એના ચિત્તમાં પ્રસન્નતા અને નિત્ય આનંદનો વાસ થાય છે.
ભગવાન શિવ અને કુબેરની દોસ્તી જુગ જુની છે. કુબેર દેવોના ખજાનચી છે અને ભગવાન ભોળાનાથના કૈલાસના પાડોશી છે. શિવની બાજુમાં જ કુબેર રહે છે. કુબેર પરમ શિવભક્ત છે. શિવભક્તિને કારણે દેવોએ પણ એની પાસેથી ભંડાર લેવો પડે છે. હિમાલયમાં બે દેવતાઓ ગણાય છે તેમાં એક ભોલે ભંડારી અને બીજા કુબેર ભંડારી. જે લોકો ભગવાન ભોળાનાથની ઉપાસના શરૂ કરે છે અને અંતઃકરણથી હિમાલય તરફ પ્રયાણ કરે છે એટલે કે જે ભક્તોનું મન ઉત્તર દિશામાં કૈલાસના ગિરિશિખરે બિરાજતા દેવોના દેવ મહાદેવ તરફ યાત્રા શરૂ કરે છે એના તરફ સ્વાભાવિક રીતે શિવની નજર પડે છે. જેવી નજર પડે કે તરત જ ભોળાનાથ પોતાના તરફ આવતા ભક્તોને રોકવા માટે અને કસોટી કરવા માટે કુબેરને જાણ કરે છે અને કુબેર પોતાના ખજાનામાંથી સુખની એક લહેર એ ભક્તો તરફ વહેતી કરે છે. મોટાભાગના ભક્તો તો કુબેરનો પ્રસાદ પામીને જ શિવ તરફની યાત્રા અટકાવી દે છે અને કુબેરના પ્રસાદમાં આખી જિંદગી અટવાયેલા રહે છે ખરો ભક્ત એ છે જેને ખબર છે કે શિવના ચરણ સિવાય પરમ શાંતિ આ સંસારમાં કોઈ પણ ભૌતિક સુખ આપી શકે તેમ નથી. શાસ્ત્રમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે બ્રહ્મા આપણું સર્જન કરે છે, વિષ્ણુ લાલનપાલન કરે છે અને છેવટે આ જીવ શિવના શરણમાં સમાઈ જાય છે. અંતવેળાએ સર્વ કાળદેવતાઓના સ્વામી અને મહાકાળ એવા મહાકાલેશ્વરના શરણે જવા માટેની આપણી યોગ્યતા આપણે આયુષ્ય દરમિયાન તબક્કાવાર કેળવતા રહેવાની છે. કલિયુગનો પ્રભાવ બહુ છે એટલે આસન સિધ્ધ કરીને તપશ્ચર્યા કરવાનું કામ આ યુગમાં સંભવ નથી











































