ગુજરાત હાઇકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને એક મહત્વપૂર્ણ અને અનોખો આદેશ આપ્યો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જમાં વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનના કેસમાં જેલમાં રહેલા બે ફોરેસ્ટ ગાર્ડને કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જાકે, જામીન સાથે કોર્ટે એવી શરત મૂકી છે કે બંને આરોપીઓએ પોતાના ખર્ચે કુલ ૧,૭૦૦ વૃક્ષો વાવવા પડશે અને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી તેનું જતન તથા રક્ષણ કરવું પડશે. કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓએ ૮૫૦-૮૫૦ વૃક્ષો વાવવાના રહેશે. જેલમાંથી મુક્ત થયાના ૧૫ દિવસની અંદર વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
આ કેસ ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ હેઠળ આવતા રાજસ્થળી બીટનો છે. અહીં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભી સામે લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ મુજબ બંને ફોરેસ્ટ ગાર્ડે આશરે ૨૫ હજારના અંગત લાભ માટે લાકડાના કોન્ટ્રાક્ટરને ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી. આ રીતે આશરે ૧,૬૯૦ જેટલાં મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનો કેસમાં આક્ષેપ છે. વૃક્ષોના નિકંદનને કારણે માત્ર હરિયાળીને જ નુકસાન થયું નહોતું, પરંતુ વન્યજીવોના કુદરતી આવાસને પણ અસર થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ વન વિભાગે બંને ફોરેસ્ટ ગાર્ડ સામે કાર્યવાહી કરી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય વન અધિનિયમ તથા વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાની વિવિધ જાગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જેલમાં હતા. ત્યારબાદ બંને આરોપીઓએ નિયમિત જામીન માટે ગુજરાત હાઇકોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો.
બંને પક્ષોની દલીલો અને રજૂઆતો સાંભળ્યા બાદ હાઇકોર્ટે બંને આરોપીઓને જામીન આપવાનો નિર્ણય કર્યો. જાકે, કોર્ટે જામીનને માત્ર મુક્ત સુધી મર્યાદિત ન રાખતા પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ તરફ ધ્યાન આપ્યું. કોર્ટે બંને આરોપીઓને મળીને કુલ ૧,૭૦૦ વૃક્ષો વાવવાની શરત મૂકી છે. તેમાં દરેક આરોપીએ ૮૫૦ વૃક્ષો વાવવાના રહેશે. આ વૃક્ષારોપણ જેલમાંથી બહાર આવ્યા બાદ ૧૫ દિવસની અંદર પૂર્ણ કરવાનું રહેશે.
કોર્ટની શરત માત્ર વૃક્ષો વાવવા પૂરતી નથી. બંને આરોપીઓએ વાવેલા વૃક્ષોનું સતત ત્રણ વર્ષ સુધી પોતાના ખર્ચે જતન અને રક્ષણ કરવાનું રહેશે. અર્થાત્, વૃક્ષો વાવીને તેમની જવાબદારી પૂરી થઈ જશે નહીં. વૃક્ષો જીવંત રહે અને યોગ્ય રીતે વિકસે તેની જવાબદારી પણ બંને આરોપીઓની રહેશે.
આ કેસમાં આશરે ૧,૬૯૦ વૃક્ષો ગેરકાયદેસર રીતે કપાવાના આરોપ વચ્ચે હાઇકોર્ટે ૧,૭૦૦ નવા વૃક્ષો વાવવાની શરત મૂકી છે. એટલે આરોપીઓને થયેલા પર્યાવરણીય નુકસાનની સામે તેનાથી વધુ સંખ્યામાં વૃક્ષો વાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કોર્ટના રચનાત્મક અભિગમ તરીકે જાવામાં આવી રહ્યો છે. જાકે, વૃક્ષો કાપવાના આરોપો અંગે અંતિમ દોષિતતા કે નિર્દોષતા ટ્રાયલની કાર્યવાહી બાદ નક્કી થશે.
કોર્ટ દ્વારા મુકવામાં આવેલી શરતોનું પાલન કરવું બંને આરોપીઓ માટે ફરજિયાત રહેશે. ખાસ કરીને ૧૫ દિવસમાં વૃક્ષારોપણ પૂર્ણ કરવું અને ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવું પડશે. આ કેસમાં હાઇકોર્ટ ના આદેશે એક મહત્વનો સંદેશ આપ્યો છે કે પર્યાવરણને થયેલા નુકસાનના કેસોમાં કાયદાકીય કાર્યવાહી સાથે પર્યાવરણની પુનઃસ્થાપનાની જવાબદારી પર પણ ભાર મૂકી શકાય છે.
ગુજરાત હાઇકોર્ટના આ આદેશથી વૃક્ષો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે ચર્ચા તેજ થવાની શક્યતા છે. એક તરફ વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનનો આરોપ છે, તો બીજી તરફ જામીનની શરત તરીકે ૧,૭૦૦ વૃક્ષો વાવવાનું અને ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવાનું કહેવામાં આવ્યું છે. આ રીતે કોર્ટનો આદેશ કાયદાકીય પ્રક્રિયા સાથે પર્યાવરણની જવાબદારીને જાડતો એક નોંધપાત્ર અભિગમ રજૂ કરે છે.