અમરેલીના દહીંડા ગામે એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં કામ કરી રહેલી એક પરપ્રાંતીય પરિણીતાનું વીજશોક લાગવાથી મોત નીપજ્યું હતું.આ અંગે મૂળ મધ્ય પ્રદેશના ધાવુભાઇ અંતરસિંહ મંડોડીયા (ઉ.વ. ૨૨)એ જાહેર કર્યા મુજબ, દહીંડા ગામની સીમમાં આવેલ એક વાડી/ખેતર નજીકના સબ-સ્ટેશન પાસે તેમની પત્ની ઘાસ (ખડ) નીંદવાનું કામ કરતી હતી. આ દરમિયાન સબ-સ્ટેશનની બાજુમાં જમીન પર એક ખુલ્લો ઇલેક્ટ્રિક વાયર પડેલો હતો. પત્ની કામમાં મશગૂલ હતી ત્યારે અજાણતા જ તેનો ડાબો હાથ આ ખુલ્લા વાયરને અડી ગયો હતો. વાયરને હાથની ટચલી આંગળી અડી જતાં જ પરિણીતાને તીવ્ર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.વી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.









































