અમરેલીમાં સંત સમાજના નેતૃત્વ હેઠળ એક મોટો વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પપ્પુ યાદવ દ્વારા આપવામાં આવેલા અપમાનજનક નિવેદન સામે લોકોમાં અને સાધુ-સંતોમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો.આ કાર્યક્રમની શરુઆત નાગદેવતા મંદિરથી થઈ હતી. ત્યાર પછી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાના લોકો હાજર રહ્યા હતા.રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી કે સાંસદ પપ્પુ યાદવ સામે કડક કાયદાકીય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કોઈ પણ નેતા કે વ્યક્તિ સાધુઓ વિશે આવું ખરાબ બોલે નહીં તે માટે કડક પગલાં ભરવા જોઈએ. સંતોએ જણાવ્યું કે સાધુ સમાજ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર છે અને તેનું અપમાન ક્યારેય ચલાવી લેવાય નહીં.આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ અન્ય સામાજિક અને ધાર્મિક સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબધ્ધ રીતે પૂરો થયો હતો. બધા સંગઠનોએ ભેગા મળીને આપણી સનાતન સંસ્કૃતિ અને પરંપરાના રક્ષણ માટે હંમેશા એક થઈને કામ કરવાની ખાતરી આપી હતી.આ વિરોધ પ્રદર્શનથી સ્થાનિક તંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. લોકો અને ધાર્મિક નેતાઓ માંગ કરી રહ્યા છે કે આ બાબતે ઝડપથી નિર્ણય લેવામાં આવે જેથી ધાર્મિક લાગણીઓને વધુ ઠેસ ના પહોંચે તેવી માંગ કરવામાં આવી છે.